(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
વડોદરા રેલવે ક્રાઈમ બ્રાન્ચ વડોદરા, સુરત યુનિટની પોલીસ ટીમ દ્વારા અમદાવાદ-પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં થયેલ ર.૧પ કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડી પોણા બે કરોડના દાગીનાનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત ૧ર જુલાઈના રોજ સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા બે વેપારીઓ રાયપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ જવા અમદાવાદ-પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં નીકળ્યા હતા. તેમની પાસેની બેગમાં ર.૧પ કરોડની કિંમતના ૬ કિલો ૯ર૭ ગ્રામ સોનાના દાગીના હતા. આ બેગ તેઓ સીટ નીચે બાંધી સૂઈ ગયા હતા. દરમિયાન આણંદ રેલવે સ્ટેશને આવતા વેપારીઓને કોઈ શખ્સો સાંકળ કાપી ર.૧પ કરોડના દાગીના મૂકેલ બેગ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે વેપારીએ રેલવે પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની તપાસ રેલવે ક્રાઈમ બ્રાંચને સોંપતા પોલીસે વિવિધ ટીમો બનાવી રાયપુરના સોની બજારમાં જ્યાં જ્યાં વેપારીઓ ફર્યા હતા. ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં કેટલાક શખ્સો વેપારીઓ પર નજર રાખતા જોવા મળ્યા હતા. પોલીસે આ યુવાનોને ઓળખી કાઢી ચોરીના બનાવમાં સામેલ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના સુભાષ યશવંત જાદવ, બાબુસા તથા તેનો ભાઈ સંજય જાદવને ઝડપી પાડી ત્રણેય જણા પાસેથી ચોરીના દાગીના કબજે કર્યા હતા જ્યારે આ આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોરીના બનાવનો મુખ્ય સૂત્રધાર પંડિત અર્જુન પવારવિડર, રહે. જવળા ગામ, અહેમદનગર, મહારાષ્ટ્ર) હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, મુખ્ય સૂત્રધાર પંડિત અર્જુન પવાર વિવિધ સ્થળોએ રહી રહેવાની જગ્યાઓ બદલી રહ્યો છે તેમજ પંડિત પવાર મહારાષ્ટ્રના મોડનીય ગામથી અડધા કિ.મી.એ હોટલ ઓમકાર પેલેસના પાર્કિંગમાં પોતાના ડ્રાઈવર મિત્ર સાથે ઊભો છે ત્યારે તાત્કાલિક પોલીસે સ્થળ પરથી પંડિત અર્જુન પવાર તથા ડ્રાઈવર રમેશ ઉર્ફે ગોરીઆ શિવાજી જાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે પંડિત અર્જુન પવાર પાસેથી ૧.ર૬ કરોડના ચારીના દાગીના સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.