Site icon Gujarat Today

કેન્દ્રના SC/ST સુધારા એક્ટ વિરૂદ્ધ સવર્ણોનું આજે ભારત બંધ

(એજન્સી) ભોપાલ, તા.પ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા એસસી/એસસી સંશોધન એક્ટમાં વિરૂદ્ધ દેશના સવર્ણોએ ફરી એકવાર ભારત બંધનુંએલાન આપ્યું છે. આ કાયદાને લઇ સામાન્ય જનતામાં આક્રોશ વધતો જઇ રહ્યો છે. બંધને મધ્યપ્રદેશના ઘણા સંગઠનો તથા કરણી સેનાએ સહિત અન્ય ઘણા સંગઠનોએ સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં સમગ્ર મધ્યપ્રદેશમાં હાઇએલર્ટ આપ્યું છે.પ્રદર્શનો અને બંધને જોતા મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવશે. રાજ્યમાં પેટ્રોલ પંપ એસોસિએશને પણ સાંજે ચાર વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી લવાયેલા એસસી-એસટી એક્ટ સંશોધનના વિરોધમાં રાજસ્થાનમાં ઉચ્ચ જાતિઓએ માર્ગો પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જયપુરમાં સવર્ણ સમાજની થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, છ સપ્ટેમ્બરે રાજસ્થાન બંધ રાખવામાં આવશે. સર્વ સમાજ સંઘર્ષસમિતીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર જાતિઓને અંદરો અંદર લડાવવા માગે છે પણ અમે તેમની ઇચ્છા પૂરી થવા દઇશું નહીં. સવર્ણોની આ જાહેરાતથી કેન્દ્રની મોદી સરકાર દલિતો અને સવર્ણોના અધિકારોની માગ વચ્ચે બરોબરની ભીંસમાં મુકાઇ છે.
સંગઠનો દ્વારા ૬ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલા ભારત બંધ અંગે મધ્યપ્રદેશનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સચેત છે અને ઘણાં જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવાની સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગોમાંં ગત એક સપ્તાહથી એસ.સી. એસ.ટી. એકટમાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં આંદોલનો ચાલી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે ભાજપ અને કોંગ્રેસના જન પ્રતિનિધિઓને જનાક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમ્યાન બુધવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના એલાને પ્રદેશની સરકાર અને સત્તાધારી દળની ઊંઘ ઉડાવી દીધી છે. પોલીસ મહાનિરીક્ષક (કાયદા તેમજ વ્યવસ્થા) મકરં દેઉસ્કરે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય ઘણા સ્થળો પર સોંપવામાં આવેલ આવેદનપત્ર પરથી જાણી શકાય છે કે બુધવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને સુરક્ષાની વ્યવસ્થા કરવાની સાથે ઘણાં જિલ્લાઓમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છતરપુર, શિવપુરી, ભિંડ, અશઝકનગર, ગુના, ગ્વાલિયર વગેરે જેવા સ્થળો પર કલમ ૧૪૪ લાગુ પાડવામાં આવી છે. બીજી તરફ પોલીસ દળને પણ સચેત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે એપ્રિલના રોજ અનામત વર્ગ દ્વારા પાળવામાં આવેલ બંધ દરમ્યાન ગ્વાલિયર ચંબલ અંચલમાં સૌથી વધુ હિંસા ભડકી ઊઠી હતી. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. આને ધ્યાનમાં રાખીને રાજ્યનું વહીવટી તંત્ર અને પોલીસ સંપૂર્ણપણે સચેત છે. પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Exit mobile version