(એજન્સી) તા.ર૮
ભારત દેશમાં પણ ૧ જુલાઇથી મહત્વકાંક્ષી અપ્રત્યક્ષ કર પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ તો થઇ ગયો પરંતુ એક મહિના બાદ પણ હજુ સુધી વેપારીઓ અને ઉત્પાદકો એ જ મૂંઝવણમાં છે કે તેમણે પ્રોડ્કટની કિંમત કેવી રીતે નક્કી કરવી ? દેશભરમાં ર ટ્રિલિયનના અર્થતંત્રને વેગવંતુ બનાવવા અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સરહદો પર સરળતાથી વેપાર કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે ૧ જુલાઈએ મોદી સરકારે જીએસટી સમગ્ર દેશભરમાં લાગુ કર્યો હતો. જોકે જીએસટીને કારણે કોયડો ઉકેલાવાને બદલે ટેક્સ પ્રણાલી વેપારીઓ અને ઉત્પાદકો માટે એક મોટીં ગુંચ બની ગઈ છે. વેપાર કરવો વધારે જટિલ બની ગયો છે. જીએસટીના આગમનથી તેમને ઘણા બધા ટેક્સથી છુટકારો તો મળી ગયો પરંતુ જીએસટી નિયમો સામે વેપારીઓ અને ઉત્પાદકો લાચાર જણાઇ રહ્યા છે. સરકારે ચાર સ્લેબ નક્કી કર્યા છે. જેમાં પથી ર૮ ટકાના ચાર સ્લેબ છે તેના કારણે વેચાણ પર અસર જોવા મળી રહી છે અને આ કારણે જ આગામી મહિને આર્થિક વિકાસ અને સરકારની મહેસૂલી આવક પર માઠી અસર જોવા મળી શકે છે. મૂંઝવણ એવી છે કે એક ઉદાહરણથી સમજીએ. જેમ કે એરલાઇન્સ ઉદ્યોગને સમજીએ. ઇકોનોમી સીટ્સ પર ઇકોનોમી અથવા બિઝનેસ ક્લાસ પ્રમાણેનો ટેક્સ ચૂકવવો એ સમજાતું જ નથી. તેના દરો કંઇક પથી ૧ર ટકા વચ્ચે નક્કી કરાયા છે. એવી જ રીતે ઓટો રિપેરિંગ શોપની જ ગુંચવણ છે તેમાં પણ દરેક જુદા જુદા પ્રકારના કામકાજ પર જુદા જુદા રેટ લાગુ કરાયા છે. જીએસટી હેઠળ ડેસ્કટોપ અને લેપટોપ પર ૧૮ ટકા ટેક્સ છે જ્યારે મલ્ટી ફંકશન પ્રિન્ટર તથા મોનિટર પર ર૮ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે. એક ટેક્સ અધિકારી પૂનમ મદાન કહે છે કે મોનિટર, સીપીયુ અને કોમ્પ્યુટરના અન્ય પાટર્સ જુદા જુદા આયાત કરવા પડે છે તો પછી અમે કયા રેટ પ્રમાણે ટેક્સ ચૂકવીએ કે વસૂલીએ- ૧૮ કે ર૮ ટકા ? ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ હવે ૧ જુલાઇ ર૦૧૭ના રોજ સરકારે નવી ટેક્સ પ્રણાલી લાગુ કરી છે ત્યારે ઘણા બધા ટેક્સ ગુમ થઇ ગયા છે. આ કારણે લોકો મૂંઝવણમાં આવી ગયા છે. ઘણા ખરા અધિકારીઓ આ સ્થિતિને કારણે ચિંતામાં છે કે તેની માઠી અસર અર્થતંત્ર પર ન જોવા મળે તો સારું. ગત જાન્યુઆરી અને માર્ચના ક્વાર્ટરમાં ૬.૧ ટકાનો વિકાસદર જોવા મળ્યો હતો જે છેલ્લા ર વર્ષમાં સૌથી ઓછો અને ચિંતાનો વિષય હતો. તમાકુની પેઢીઓ પણ હવે મુશ્કેલીમાં મૂકાઇ છે. જીએસટી લાગુ થયા બાદથી જ સિગારેટ પર ઝીંકાયેલા ટેક્સને કારણે કંપનીને ૬ બિલિયનનું નુકસાન થયું છે. સ્ટોકના ભાવ ઘટી ગયા છે. તેમણે વેપાર કેવી રીતે કરવો હવે એ જ સમજાતું નથી. વિદ્વાનો કહે છે કે હાલમાં જે રીતે ટેક્સ લાગુ કરાયો છે તેની પદ્ધતિ ચિંતાજનક છે. તેમાં સુધારો કરવાની જરુર છે.