(સંવાદદાતા દ્વારા) જામનગર તા.૭
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રાજકોટથી નાના થાવરિયા તરફ આવતી એક મોટર રોડ પર દોડતા ઉતરેલા જનાવરને બચાવવા જવાના તેના ચાલકના પ્રયાસના પગલે ગોથું મારી જતાં તેમાં રહેલા નિવૃત્ત ડીવાયએસપીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જામનગરથી કાલાવડ તરફના ધોરીમાર્ગ પર આવેલા સુવરડા ગામ પાસેથી ત્રણેક વાગ્યે હાલમાં રાજકોટમાં રહેતા જયદેવસિંહ જશવંતસિંહ જાડેજા (ઉ.વ.૬૩) ચારેક વર્ષ પહેલાં રાજ્યના પોલીસ તંત્રમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા જે.જે. જાડેજા થોડા વર્ષો પહેલાં જામનગર તેમજ રાજકોટમાં પણ ફરજ બજાવી ચૂકયા હતા. તેઓની મોટર જ્યારે સુવરડાની સીમ પાસે પહોંચી ત્યારે અચાનક જ કોઈ જનાવર આડું ઉતરતા અકસ્માત થતો બચાવવા જવાના પ્રયત્નમાં જયદેવસિંહે મોટર પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તેઓની મોટર નાના થાવરિયાના પુલ પરથી પલ્ટી મારી નીચે ઉતરી ગોથું મારી ગઈ હતી જેના કારણે મોટરમાં એકલા રહેલા જયદેવસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. ૧૦૮ના સ્ટાફે અન્ય લોકોની મદદ મેળવી મોટરમાંથી બહાર કાઢી જયદેવસિંહને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજતા ભારે ગમગીની પ્રસરી છે.