(એજન્સી) તા.૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ગુરૂવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ‘મહાગઠબંધન’ રચવાનો પ્રયત્ન સરળ નહીં હોય અને તેમણે ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતાની હાકલ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં સિબ્બલે કહ્યું હતું કે, બધી પાર્ટીઓ એકજૂટ થઈ જાય એ “સૌથી સારી પરિસ્થિતિ” છે પરંતુ હાલમાં કોંગ્રેસ પાસે ઘણી ઓછી બેઠકો હોવાથી તે શરતો મૂકી શકે તેમ નથી આથી તે કેન્દ્રમાં બિનભાજપી સરકાર રચાય તે માટે રાજ્યો પ્રમાણે ગઠબંધન કરશે. સિબ્બલે તેમના પુસ્તક ‘શેડસ ઓફ ટ્રુથ’ના વિમોચન પહેલા કહ્યું હતું કે, “આજે મહાગઠબંધન’ ક્યાં છે ? રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન રચવાનો પ્રયત્ન સરળ નહીં હોય” હવે સરકાર કોણ બનાવશે તે પ્રશ્ન પર સિબ્બલે કહ્યું હતું કે, “મને લાગે છે કે ભાજપ સરકાર નહીં બનાવી શકે. પરિણામ આવ્યા પછી વૈકલ્પિક સરકારનું માળખું નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, કોંગ્રેસે એવા રાજ્યોમાં વ્યૂહાત્મક જોડાણ કરવું જોઈએ જ્યાં તેના ગઠબંધનના સહયોગીઓ આ વાતની ખાતરી કરે કે કેન્દ્રમાં ભાજપની સરકાર ન રચાય.