(એજન્સી) કોલકાતા, તા. ૧૩
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ એવો આક્ષેપ કર્યો કે સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનના ૧૨૫મી વર્ષગાંઠના પ્રસંગે અમેરિકાના શિકાગોમાં યોજાનાર કાર્યક્રમને સંબોધન કરવા માટે કાર્યક્રમના આયોજકો દ્વારા પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને આમંત્રિત કરવામાં ં આવ્યાં હતાં. આ કાર્યક્રમને મમતા બેનરજી સંબોધન કરવાના હોવાથી ભાજપ અને આરએસએસે કાર્યક્રમના આયોજકો પર દબાણ કરીને છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરાવ્યો હતો. ગુરૂવારે જારી કરાયેલા એક નિવેદનમાં ટીએમસીએ એવો આક્ષેપ કર્યો કે ભાજપ અને આરએસએસ આ પ્રસંગે શિકાગોમાં માત્ર એક જ મોટો કાર્યક્રમ યોજવા માગતા હતા. શિકાગોની વિવેકાનંદ વેદાંત સોસાયટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવવાનો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મમતા બેનરજીએ તેમની સંમત્તિ આપી હતી. ત્યાર પછી એવું જાણવા મળ્યું કે ભારે દબાણને કારણે આયોજકો દ્વારા કાર્યક્રમ રદ કરાયો છે. ભાજપ અને આરએસએસ શિકાગોમાં ગ્લોબલ હિન્દુ કોંગ્રેસ (વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશન)ના બેનર હેઠળ એક મોટો કાર્યક્રમ યોજવા માગતા હતા અને આ કાર્યક્રમમાં આરએસએસ વડા મોહન ભાગવત સામેલ થાય એવી ભાજપ અને આરએસએસની ઇચ્છા હોવાથી આ કાર્યક્રમ રદ કરાવવા માટે શિકાગોની વિવેકાનંદ વેદાંત સોસાયટી પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ મમતા બેનરજીની આયોજિત મુલાકાતના સંદર્ભમાં કોલકાતામાં અમેરિકી કોન્સ્યુલેટ જનરલ તરફથી એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે. મમતા બેનરજી અમેરિકાની મુલાકાત લેવામાં રસ ધરાવતા હોવાનું સાંભળીને કોલકાતામાં અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ખુશ થયા હતા. ઘણા વર્ષોથી પશ્ચિમ બંગાળથી કોઇ પણ મુખ્યપ્રધાને અમેરિકાની મુલાકાત લીધી નથી. મમતા બેનરજીએ મંગળવારે ભાજપ સામે પ્રહાર કરતા એવો આક્ષેપ કર્યો હતો કે તેમને આ કાર્યક્રમમાં ભાગ લેતા અટકાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી એક ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે બેલુર મઠ પર કબજો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.