(એજન્સી) આગ્રા, તા.૧૩
તાજમહેલમાં વાંદરાઓનો સતત આતંક વધી રહ્યો છે. બુધવારે વાંદરાઓના ટોળાએ ફોટોગ્રાફી કરી રહેલ વિદેશી પર્યટકો પર હુમલો કર્યો હતો. જેનાથી પર્યટકોમાં નાસભાગ મચી ગઈ હતી. તાજમહેલની અંદર વાંદરાઓ દ્વારા પર્યટકો પર હુમલાની આ માસમાં ચોથી ઘટના બની છે. અગાઉ ર૧ ઓગસ્ટના રોજ ઈન્દોરથી તાજમહેલની મુલાકાતે આવેલ પર્યટકના સમૂહમાં વાંદરાઓએ બાળકો પર હુમલો કર્યો હતો. ર૬ ઓગસ્ટના રોજ વિજયવાડાથી આવેલ પર્યટકો પર વાંદરાઓએ હુમલો કર્યો હતો. આ વખતે પણ બાળકો પર હુમલો થયો હતો. જેથી પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. ર૭ ઓગસ્ટના રોજ તાજમહેલ જોવા ચીનના પ્રવાસી પર વાંદરાએ હુમલો કર્યો હતો. ચીની પર્યટક પોતાના સાથી મિત્રો સાથે પૂર્વીય ગેટ તરફ ચાલતા વાંદરાના ફોટો કેમેરામાં કેદ કરી રહી હતી એ સમયે વાંદરાએ તેની પીઠ પર બચકું ભર્યું હતું. ખોરાકની શોધમાં દશહરા ઘાટ મંદિર તરફથી વાંદરાનું મોટું ટોળું દરરોજ તાજમહેલમાં પહોંચે છે. વાંદરાઓના ટોળાએ ૧૦થી વધુ સહેલાણીઓને કરડ્યા છે. સ્થાનિક લોકો પણ વાંદરાના ત્રાસથી ત્રાહિમામ થઈ ઊઠ્યા છે. પ્રદેશના પર્યટન મહાનિર્દેશક, પ્રમુખ સચિવ આગ્રાના ડીએમ અને કમિશનરને આ અંગે અનેક પત્રો લખીને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈપણ વિભાગે મે માસથી અત્યારસુધીના પાંચ માસના સમયગાળો વિતવા છતાં કોઈ નોંધ લીધી નથી કે કાર્યવાહી પણ કરતા નથી.