ધંધુકા, તા.૧૭
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત થઈ ગયું છે. તેની છત પરથી પોપડા ઉખડી વરસાદનું પાણી અંદર ટપકી રહ્યું છે. તાલુકા પંચાયત કચેરીનું મકાન વર્ષો પૂરાણું છે અને અત્યારે જર્જરિત હાલતમાં છે. કચેરીની વિવિધ જગ્યાઓથી છતમાંથી પોપડા ઉખડી રહ્યા છે. તેને લઈને કર્મચારીઓને કામ કરવામાં તકલીફો પડે છે. તંત્ર તાલુકા પંચાયત કચેરીનું નવું મકાન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તાલુકા પંચાયત ઉપપ્રમુખ શું કહે છે ?
આ અંગે ધંધુકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનસિંહ ચુડાસમાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ તા.પમાં કોંગ્રેસ સત્તામાં હતી તે દરમિયાન નવા મકાન માટે ૧.૭પ કરોડ મંજૂર થયા હતા. જે યોગ્ય નથી. તેથી હવે ભાજપ સત્તા ઉપર હોવાથી અમોએ આ બાબતે વિકાસ કમિશનર સુધી રજૂઆતો કરેલ છે. આ માટે ર.૪૦ કરોડનો એસ્ટિમેટ થાય છે. માટે વિકાસ કમિશનરમાંથી બજેટની મંજૂરી આવે એટલે અત્યંત આધુનિક નવી બે માળની ઈમારત બનાવવામાં આવશે. હાલમાં જૂના મકાનને ડેમેજ કરવાની મંજૂરી મળી ગઈ છે. આગામી દિવસોમાં તાલુકા પંચાયત કચેરીને અન્ય જગ્યાએ તબદીલ કરવાામાં આવશે.