(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૧૭
ધોળકા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત દબાણો તોડવાની કામગીરી અધુરી મૂકી દેવાતા તંત્રની નીતિ રીતિ પ્રત્યે નગરજનો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે. ત્યારે ધોળકાનાં ભાજપ અગ્રણી યશવંત મિસ્ત્રી સહિતના જાગૃત નાગરિકોએ આજે ધોળકાનાં પ્રાંત અધિકારી, ધોળકા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્રો પાઠવી ધોળકા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલું રાખવા માગણી કરી છે. જો તંત્ર દ્વારા પાંચ દિવસમાં દબાણ હટાવવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ધોળકા શહેરમાં હાલમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહેલ છે. તેના અનુસંધાનમાં ધોળકાના મુખ્ય બજારમાં તથા એસ.ટી.સ્ટેન્ડના મુખ્ય માર્ગ ઉપર તેમજ કલિકુંડ વિસ્તાર તેમજ ખેડા-બગોદરા હાઈવે રોડ ઉપર બન્ને બાજુ કાચા-પાકા દબાણો ખૂબ જ મોટા પ્રમાણમાં હટાવવામાં આવેલ છે. તેના કારણે ધોળકા ગામમાં લોકોને ચાલવામાં તથા સાધનો લઈને આવવા જવામાં જે મુસીબત પડતી હતી તેની થોડે ઘણા અંશે રાહત થયેલ છે. હાલમાં સાતમ-આઠમના તહેવારના કારણે દબાણ તોડવાની પ્રક્રિયા બંધ રાખવામાં આવેલ અને તે પછી મઘિયા વિસ્તારમાં દબાણ તોડવાની કાર્યવાહી ચાલું કરવામાં આવેલ. ઉપરોક્ત તમામ દબાણો તોડવાથી ગામની પ્રજાને ખૂબ જ રાહત થયેલ છે. તંત્રની કામગીરીને બિરદાવી છે.
આપના તરફથી ઓપરેશન ડીમોલેશન બાબતે તા.૪/૯/ર૦૧૮ના રોજ મીટીંગ ભરવામાં આવેલ અને તે મીટીંગમાં સ્ટેટ હાઈવેની બન્ને બાજુએ ર૪ મીટર સુધીના દબાણો તોડવાનો કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવશે તે પ્રકારનો મક્કમ નિર્ધાર તંત્રએ નક્કી કરેલ હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસથી અમારા ધ્યાન ઉપર આવેલ છે કે ધોળકાના મોટા ભાગના દબાણો હજૂ હટાવવાના બાકી રહી ગયેલ છે. તેને તોડવાની કામગીરીમાં ઈન્ટરવલ પડેલ છે. તો તે બાબતમાં લોકો તર્ક વિતર્ક કરી તંત્ર ઉપર શંકાની નજરે જુએ છે. તો તે બાબતમાં આપના નિયમ મુજબ ધોળકા ગામમાં તોડવાના બાકી રહી ગયેલ દબાણો તેમજ કલિકુંડ વિસ્તારમાં હાઈવેની બન્ને તરફ તેમજ મઘિયા વિસ્તારના એટલે કે ખેડા-બગોદરા રોડ પરના હાઈવેના બન્ને તરફના દબાણો તેમજ કલિકુંડ મંદિરથી સરોડા તરફના હાઈવે પરના વ્યાપક દબાણો તાત્કાલીક તોડવા સારૂં લોકોની માંગણી છે. આમ ધોળકા ગામમાં ઘણા મોટા પ્રમાણમાં દબાણો તોડીને આપે જે સારી કામગીરી કરેલ છે અને તેના માટે લોકો આપના તંત્રના વખાણ કરે છે. પરંતુ ઉપર બતાવેલ દબાણો જો તોડવામાં નહી આવે તો તમારી સારી કરેલ કામગીરી પર પાણી ફરી વળશે અને આમ જનતાનો એ પ્રકારનો રોશ ફાટી નીકળશે કે તંત્રએ વહાલા-દવલાની નીતિનો તથા મોટા માથાને બચાવવાનો પ્રયત્ન કરેલ છે.
અમારી જાણ મુજબ ધોળકા શહેરમાં કલિકુંડ વિસ્તારમાં લારીઓ તગા ગલ્લા મુકી પેટીયુ રળતા શ્રમજીવીઓના ધંધા રોજગાર પડી ભાંગતા એ લોકો માટે તેઓની રોજીરોટી છીનવાઈ ન જાય તે હેતુથી સિદ્ધનાથ સોસાયટી નજીક સરકારી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવેલ છે. તે જ રીતે ધોળકાના ખેડા-બગોદરા હાઈવે રોડ ઉપરના શ્રમજીવીઓના જે દબાણો હટાવવામાં આવેલ છે. તેઓના ધંધા રોજગાર માટે પણ સરકારી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા જણાવવામાં આવે છે. ઉપરોક્ત બાબતે જો દબાણ હટાવવાની કામગીરી દિન-પમા કરવામાં આવશે નહી તો અમારે નાછુટકે ધોળકાની જનતાના હીત ખાતર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે. અમો નાગરિકોની અરજ છે કે ધોળકા ગામમાં બાકી રહી ગયેલ દબાણો યુદ્ધના ધોરણે તોડી પાડવા સારૂં તાત્કાલિક કાર્યવાહી કરવી.