અમદાવાદ, તા.ર૪
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર ખેડૂતોના દેવા માફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથિરિયાની જેલમુક્તિની માંગ સાથે મેદાનમાં આવશે. ગાંધી જયંતીથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરીને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરશે. છતાંય જો સરકાર આ ત્રણ માગણીઓનો ઉકેલ નહીં લાવે તો હાર્દિક સહિતના આંદોલનકારીઓ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન મોદીનો વિરોધ કરશે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, તા.બીજી ઓક્ટોબરથી હાર્દિક પટેલ ફરી આંદોલનની શરૂઆત કરશે. તે પહેલા પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથિરિયાની જેલમુક્તિની માંગ સાથે અમે રાજ્યભરના કલેક્ટરોને આવેદનપત્ર પાઠવીશું. તા.ર ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે મોરબીના બગથળા ગામમાં હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. તેની સાથે રાજ્યભરમાં પાટીદારો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. ત્યારબાદ રાજ્યના તમામ ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરીશું. જો સરકાર અમારી માગણીઓનો ઉકેલ લાવશે નહીં. તો ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરીશું. એમ મનોજ પનારાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હાર્દિક ૨૫મી ઓગસ્ટથી સતત ૧૯ દિવસ ઉપવાસ આંદોલન પર બેઠો હતો. જેમાં ખેડૂતોનાં દેવા માફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિની માંગણી જેવાં ત્રણ મુખ્ય મુદ્દાઓ હતાં. આ સાથે જ હાર્દિકે સરકારની મુશ્કેલીઓમાં પણ વધારો કર્યો હતો. સતત ૧૯ દિવસ સુધી અન્ન અને ૨ દિવસ સુધી જળનો પણ ત્યાગ હાર્દિકે કર્યો હતો. આ દરમ્યાન કેટલાંય રાજકીય નેતાઓ તેમજ અગ્રણીઓ પણ તેને મળવા માટે આવી હતી. કોંગ્રેસે ટેકો જાહેર કરતાં હાર્દિક પટેલનાં ઉપવાસને ભાજપે પણ કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યો હતો. જો કે અંતે સતત ૧૯ દિવસનાં ઉપવાસ બાદ હાર્દિક પટેલે પારણાં કરી લીધાં હતાં. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન અને પાટીદાર સમાજનાં આગેવાન નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓનાં હસ્તે અંતે ૧૯માં દિવસે પારણાં કર્યાં હતાં. ત્રણ માંગને લઇને હાર્દિક પટેલ છેલ્લાં ૧૯ દિવસથી ઉપવાસ પર હતો અને એક વખત હોસ્પિટલમાં પણ તે દાખલ થયો હતો તેમ છતાં ભાજપ સરકારે કોઇ જ મચક આપી ન હતી. છેવટે પાટીદાર સમાજની સંસ્થાઓ અને વડીલો દ્વારા તેમને પારણાં કરી લેવા માટે સમજાવાયો હતો. ત્યારે હવે ફરી વાર હાર્દિક ૨જી ઓક્ટોમ્બરથી આ જ ત્રણ મુદ્દાઓ પર પ્રતિક ઉપવાસ કરવા જઇ રહ્યો છે.
હાર્દિકે ફરી બાંયો ચઢાવી : ગાંધી જયંતીથી સમગ્ર ગુજરાતમાં પ્રતીક ઉપવાસ કરશે
![](https://gujarattoday.in/wp-content/uploads/2018/09/phpThumb_generated_thumbnail-11.jpg)