અમરેલી, તા.ર૭
સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર આવેલ એક કોમ્પ્લેક્ષમાં એશિયા કપની પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં સાવરકુંડલાના બે શખ્સોને પોલીસે રોકડ રકમ રૂા.૩ લાખ સહિત કુલ રૂા. ૩.૭૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતાં સટ્ટાખોરોમાં ભારે ફફડાટ ફેલાયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે સાવરકુંડલા શહેરના મહુવા રોડ ઉપર આવેલ સુરભી કોમ્પ્લેક્ષમા ભવાની વીડિયો લેબ નામની દુકાનમાં રેડ પાડતાં હાલ રમાઈ રહેલ એશિયા કપમાં પાકિસ્તાન-બાંગ્લાદેશની રમાઈ રહેલ વન-ડે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન મોબાઈલ ઉપર સટ્ટો રમાડી રહેલ (૧) આનંદ નવનિત હરિયાણી, (ર) દિપક કિશોર મશરૂ બંને રહે. સાવરકુંડલાવાળાને રોકડ રકમ રૂા.૩,૦ર,૭૦૦ તેમજ મોબાઈલ નંગ-૩ સહિત કુલ રૂા. ૩,૬ર,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ સટ્ટામાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની આગળની તપાસ અર્થે બંને શખ્સોેને સા.કુંડલા સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ હતા.