મુંબઈ,તા.૨૭
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું માનવું છે કે યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળવું જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમના હાલમાં મધ્યમક્રમમાં નંબર-૪ સ્થાનને લઈને દુવિધામાં છે. ટીમમાં આ સ્થાન માટે યોગ્ય બેટ્સમેન નથી મળી રહ્યો.
ઝહીરે કહ્યું કે, ‘મને લાગે છે કે, પંત ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. વર્લ્ડકપ પહેલા હજુ ૨૫ મેચ રમાવાના છે અને હજુ પણ આ એક લાંબો રસ્તો છે.’ પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ અલગ-અલગ વિકલ્પો પર વિચાર કરી રહી છે. મેનેજમેન્ટની નજર પંત પર પણ છે કારણ કે તેનામાં ગેમની પરિસ્થિતિને બદલવાની ક્ષમતા છે. તેનામાં મોટા છગ્ગા લગાવવાના આવડત છે જેની ટીમને અંતિમ ઓવરમાં જરૂરત હોય છે.
ઝહીર ખાનનું માનવું છે કે ભારતને આગામી વર્લ્ડકપમાં ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરને ઉતારવા જોઈએ. ઝહીરને કહ્યું કે, તમને ખબર છે કે બોલિંગ વિભાગમાં હજુ પણ કેટલીક જગ્યા ખાલી છે અને આશા રાખીશું કે હાર્દિક પંડ્યા આવીને તેનું સ્થાન લેશે.