(એજન્સી) જાકાર્તા, તા. ૧
ઇન્ડોનેશિયાના સુલાવેસી આઇલેન્ડમાં શુક્રવારે મોડી સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ત્રાટકેલા સુનામીના કારણે અત્યાર સુધી મૃત્યુઆંક ૧૩૦૦એ પહોંચ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મોતને કારણે તેમની અંતિમ વિધિ કરવા માટે મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં લોકો સામૂહિક કબરોમાં જ દફનવિધિ કરી રહ્યા છે. પાલુ શહેરની બહાર પ્રશાસને મોટી કબરો બનાવી છે જ્યાં લોકો પોતાના આપ્તજનોને દફનાવવા માટે લઇ જઇ રહ્યા છે. બીજી તરફ એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, ભૂકંપ અને સુનામીને કારણે આવેલી તારાજીને પગલે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પુરી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરાઇ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, ભૂકંપના કારણે મૃત્યુઆંક ૨,૦૦૦ સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી સૌથી વધુ મોત પાલુ શહેરમાં થયા છે. હજારો મકાનો અને બિલ્ડિંગો ભૂકંપથી જર્જરિત થઇ પડી રહી છે, જેના કારણે કાટમાળમાં હજુ પણ હજારો લોકો ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં સુનામી શુક્રવારે ૭.૫ની તીવ્રતાના ભૂકંપ બાદ આવી છે. ભૂકંપના કારણે પેસિફિક રિંગ ઓફ ફાયર સક્રિય થયું હતું અને શહેરોમાં ૮૦૪ કિમી/કલાકની ઝડપે સુનામી ત્રાટકી છે. સતત ભૂકંપના આંચકાઓ અને સુનામીના કારણે જમીન લિક્વિડ જેવી થઇ ગઇ છે. જેના કારણે આગામી દિવસોમાં મૃત્યુઆંક વધી જશે તેની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ પણ ઘણાં લોકો ગુમ છે જેમાંથી મોટાભાગના લોકો કાટમાળમાં દટાયેલા હોઇ શકે છે. સુલાવેસી આઇલેન્ડના મુખ્ય શહેર પાલુ અને ભૂકંપના કેન્દ્રની નજીક સ્થિત ડોંગાલા શહેર સૌથી વધુ પ્રભાવિત થયા છે. પ્રભાવિત લોક સુધી રાહત પહોંચાડવા માટે ઇન્ડોનેશિયાની સેનાને ઉતારવામાં આવી છે.