હિંમતનગર, તા.૩
હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં સિરામીક ફેક્ટરીમાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકે ૧૪ માસની બાળકી પર કરેલા દુષ્કર્મ બાદ જિલ્લા પોલીસે આ શ્રમિકને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને તેની વિરૂદ્ધ સાંયોગિક પુરાવા તથા તેના નિવેદનોને આધારે તે દિશામાં તપાસની ગતિ તેજ બનાવી દીધી છે ત્યારે આ હવસખોરને જલ્દી સજા મળે તે માટે કાયદાની રૂએ ખૂબ જ ટૂંકા સમયમાં પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. એટલું જ નહીં પણ આ હવસખોરની અવારનવાર શારીરિક તપાસ માટે પોલીસ જાપ્તામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો છે.
જો કે રવિન્દ્ર ગાંન્ડેને હાલ સબજેલમાં રખાયો છે છતાં જ્યારે કાયદાકીય તપાસ પૂર્ણ કરી જરૂર પડે તેના રિમાન્ડ માંગવાની પણ જરૂર પડશે તો પોલીસ વિના વિલંબે કાર્યવાહી કરશે.
આ કેસમાં ખુદ જિલ્લા પોલીસવડા રોજબરોજ તપાસનો અહેવાલ મંગાવી ચકાસી રહ્યા છે. ત્યારે તેમના જણાવાયા મુજબ ખૂબ જ ટૂંકા ગાળામાં આ કેસની ચાર્જશીટ કોર્ટેમાં રજૂ કરીને કેસ ઝડપથી ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેને લઈ જવાય તે માટે જિલ્લા મુખ્ય ન્યાયાધીશને વિનંતી પણ કરશે.
એસપીજીએ આવેદનપત્ર આપ્યું
ઢુંઢરની ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં બુધવારે સરદાર પટેલ સેવાદળ (એસપીજી) વતી લાલજી પટેલ તથા સાબરકાંઠાના યુવા પાટીદારોની હાજરીમાં જિલ્લા કલેકટર તથા પોલીસવડાને આવેદનપત્ર આપી એવી માંગ કરવામાં આવી છે કે દુષ્કર્મ કરનારને કડકમાં કડક સજા કરીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ જો તેમ થાય તો ભવિષ્યમાં આવું કૃત્ય કરનાર સો વખત વિચાર કરશે.