(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શાસક ભાજપ સામે ગણ્યાગાંઠ્યા ધનિક લોકોના હિત માટે કામ કરવાનો અને ખેડૂતો તેમ જ સમાજના અન્ય વર્ગોની અવગણના કરવાનો શનિવારે આક્ષેપ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રહારો કરવા માટે રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેના અબજો રૂપિયાના રાફેલ ફાઇટર જેટ સોદાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કોઇ પણ નિર્ણય લેતા પહેલા ગરીબોનું વિચારે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો તેમનો પક્ષ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તામાં આવશે તો આદિવાસીઓના અધિકારોના બિલના અમલીકરણની ખાતરી કરશે. આ ત્રણે રાજ્યોમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમણે એવું પૂછ્યું કે જો તમે ધનિકોને સહાય કરવા મોગો છો તો, તમે તેમની મદદ કરો પરંતુ ખેડૂતો અને સમાજના અન્ય ગરીબ વર્ગોની પણ મદદ કરો. જો ધનિકોના ૩ લાખ કરોડ રૂપિયા માંડીવાળવામાં આવતા હોય તો ખેડૂતો અને સમાજના અન્ય ગરીબ વર્ગોને આવી રાહતો કેમ આપવામાં આવતી નથી ? આદિવાસી સંગઠન ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા યોજવામાં આવેલી એક ઇવેન્ટમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે આદિવાસી બિલ કોઇ ગિફ્ટ નથી પરંતુ આદિવાસી લોકોનો અધિકાર છે. આદિવાસી લોકોનો જમીન, પાણી અને જંગલો પર અધિકાર હોવો જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસના ેનેતૃત્વવાળી સરકાર હતી ત્યારે મહત્વનો ૨૦૦૬નો વન કાયદો પાસ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે પંચાયતી રાજ સંસ્થાઓ નબળી બનાવવાનો અને જમીન સંપાદન બિલમાં સંમત્તિની કલમ હળવી કરવાનો પણ આરોપ મુક્યો છે.
ભાજપ આદિવાસીઓ અને ખેડૂતોને નબળા બનાવી રહ્યો છે : મુરેનાની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું
(એજન્સી) મુરેના, તા. ૬
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ શાસિત રાજ્યોમાં ગરીબો, આદિવાસીઓ અને ખેડૂતોને નબળા અને અશક્ત બનાવવાનો ભાજપ સામે શનિવારે આરોપ મુક્યો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્યના મુરેના જિલ્લામાં સંકલ્પ યાત્રા રેલીમાં ખેડૂતોને સંબોધતા રાહુલ ગાંધીએ ખેડૂતો, આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓનો શોષણ કરવા બદલ ભાજપની આકરી ટીકા કરી હતી. મોદી સરકાર સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસ પ્રમુખે ગણ્યાગાંઠ્યા કોર્પોરેટ્સ અને ઉદ્યોગપતિઓના હિતો માટે ભાજપ કામ કરી રહ્યો હોવાની બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પાસેથી એક પછી એક તેમના અધિકારો છિનવી લેવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમની પડખે છે. વિજય માલ્યા અને નીરવ મોદીને દેશમાંથી ભાગી જવા દેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મુકતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે વિજય માલ્યા કેન્દ્રી નાણા પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કર્યાના એક દિવસ બાદ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો. વિજય માલ્યા કે નીરવ મોદી સામે કોઇ પગલા ભરવામાં ન આવ્યા પરંતુ પોતાની જમીનના એક ટુકડા માટે વિરોધ કરતા ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવે છે.