ભરૂચ,તા.૮
ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર થઈ રહેલા હુમલા અંગે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે આજરોજ ભરૂચ ખાતે યોજાયેલી કોંગ્રેસ તાલીમ શિબિરમાં પ્રતિક્રિયા આપતાં હુમલાઓની ટીકા કરતાં કહ્યું કે જો આવા હુમલાઓ નહીં અટકે તો અન્ય રાજ્યોમાં પણ હિંસાની આશંકા વ્યક્ત કરી હતી. સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું દોષિતોને કાયદા અન્વયે ચોક્કસ સજા થવી જોઈએ પરંતુ નિર્દોષો ઉપર અત્યાચાર યોગ્ય નથી.
ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે જિલ્લાભરના કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓના માર્ગદર્શન હેતુસર આયોજીત તાલીમ શિબિરમાં રાજ્યસભા સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલની હાજરીથી કોંગ્રેસના આગેવાનોમાં નવચેતનાનો સંચાર જોવા મળ્યો હતો. સવારે ૯-૪પ કલાકથી શરૂ થયેલી તાલીમ શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સાથે જિલ્લાભરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં કોંગ્રેસના આગેવાનોએ કઈ રીતે ભાજપના ભય-ભૂખ અને ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ઊઘાડો પાડવું તેમજ કઈ રીતે પ્રજાકીય આંદોલનોને વેગ આપવો, પ્રજાની સમસ્યાઓને કઈ રીતે વાચા આપવી તે અંગે વિસ્તૃત તાલીમ એઆઈસીસીના ડેલીગેટ્સ રાજીવ શાહુ સહિત અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી. મધ્યાહન કાળે તાલીમ શિબિરમાં પહોંચેલા સાંસદ અહમદ પટેલે પોતાની આગવી શૈલીમાં તાલીમ શિબિરનું મહત્ત્વ સમજાવતાં ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ હોય તેઓની નિષ્ફળતા લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેમજ વિભાજનકારી તાકાતોના ષડયંત્રો પ્રજા સમક્ષ ઊઘાડા પાડવાનો સમય પાકી ગયો હોવા અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. સાંસદ અહમદ પટેલે મીડિયા સમક્ષ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સર્વધર્મ સમભાવમાં માનનારો પક્ષ છે. કોંગ્રેસ પ્રાંતવાદમાં નથી માનતો અને તેથી નફા-નુકસાનનો પ્રશ્ન નથી પરંતુ જે આક્ષેપ કરી રહ્યા છે તેઓ ચોક્કસપણે રાજકીય લાભ શોધી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અંગે સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે અલ્પેશે દોષિતો સામે સખત પગલાં લેવાની વાત કહી છે. ગુજરાતમાં હાલ જે કાંઈ પણ થઈ રહ્યું છે તેની નિંદા કરતા અહમદ પટેલે જણાવ્યું હતું કે આ હુમલાઓ નહીં અટકે તો અન્ય રાજ્યોમાં પણ તેના પડઘા પડે તેવી આશંકા છે. પ્રદીપસિંહ જાડેજાના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં ચૂંટણી અંગે કોંગ્રેસ આશાવાદી છે અને ચોક્કસ જીતશે તેમ જણાવ્યું હતું. સ્થાનિક રોજગારીની વિકટ સમસ્યા અંગે પ્રતિભાવ આપતાં કોઈપણ જગ્યાએ ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય મળવું જોઈએ તે કોંગ્રેસની વિચારધારા છે તેમ સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું.
અલ્પેશને બદનામ કરવાનો
પ્રયાસ : શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના નેતા તેમજ બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોર પર લગાવવામાં આવેલા આક્ષેપ અંગે કહ્યું કે, “અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હુમલો કરનારા લોકો ઠાકોર સેના સાથે જોડાયેલા નથી.” સાથે જ તેમણે રૂપાણી સરકાર પર અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
…. RSSના વિભાજનકારી એજન્ડા ઉજાગર થવા જોઈએ : અમિત ચાવડા
ભરૂચ,તા.૮
ભરૂચ જિલ્લા કક્ષાની કોંગ્રેસ તાલીમ શિબિરમાં પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની રાજ્ય અને કેન્દ્રની સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે તેવા પ્રહાર કરતા ઇજીજી જેવા વિભાજનકારી સંગઠનોના એજન્ડાઓ ઉજાગર થવા જોઈએ જેથી લોકોની આંખો ઉઘડે તેમ જણાવ્યું હતું ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાઓ બાબતે અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોલીસ અને એસઆરપી હોવા છતાં પણ પરપ્રાંતીયો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે આ હુમલાઓ પાછળ સરકારનો ક્યાંકને ક્યાંક છુપો આશીર્વાદ હોવાનું ચોક્કસ લાગી રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ૫ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓમાં ભાજપને તેમની સીધી હાર દેખાઇ રહી છે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં પોલીસના છુપા આશિર્વાદથી આ હુમલા થઇ રહ્યા હોવાનું બધા માની રહ્યા છે.