૮૯ વર્ષની વયે અવસાન પામેલા પ્રખર ગાંધીવાદી અબ્દુલ હમીદ કુરેશી વર્ષ ૧૯૩૦માં ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક કાર્યક્રમમાં ગાંધીજીના ખોળામાં બેઠેલા હતા તે સમયની દુર્લભ તસવીર જ્યારે બીજી તસવીરમાં અબ્દુલ હમીદ કુરેશીનું નિવાસસ્થાન જ્યારે ઈન્સેટ તસવીરમાં અબ્દુલ હમીદ કુરેશીનો ફાઈલ ફોટો જોઈ શકાય છે.
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
મહાત્મા ગાંધીના ખોળામાં રમેલા એવા પ્રખર ગાંધીવાદી અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટના ચેરમેન અબ્દુલ હમીદ ગુલામરસુલ કુરેશીએ ૮૯ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લેતાં ગાંધીવાદીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે તેઓ મુસ્લિમ હોવા છતાં તેમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવે તેવી તેમની ઈચ્છાને માન આપીને તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. દક્ષિણ-આફ્રિકામાં ગાંધીજીની મૂળ ભારતીયો પ્રત્યેની લાગણી, ભાવના અને તેના માટેની સક્રિય કામગીરીથી પ્રભાવિત થઈને ગાંધીજીની સાથે દક્ષિણ-આફ્રિકા છોડી અબ્દુલ કાદર બાવઝીર ઉર્ફે ઈમામ સાહેબ અમદાવાદના સાબરમતી આશ્રમમાં સ્થાયી થયા હતા. ત્યારે ગાંધીજીએ ઈમામ સાહેબની બંને દીકરીઓના લગ્નની કંકોત્રી પોતાના નામથી લખી હતી. તેવા અમીનાબેન અને ગુલામરસૂલ કુરેશીના દીકરા એવા અબ્દુલ હમીદ કુરેશીએ હૃદયરોગના હુમલાને લીધે શનિવારે અમદાવાદમાં અંતિમ શ્વાસ લેતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે. ગાંધી આશ્રમમાં જન્મ્યા અને એ જ ગાંધી આશ્રમના ટ્રસ્ટના ચેરમેનના હોદ્દા સાથે છેલ્લા શ્વાસ લેનારા અબ્દુલ હમીદ કુરેશીએ આઝાદીની ચળવળની લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તેમના પરિવારના સભ્યે જણાવ્યું હતું કે અબ્દુલ હમીદ કુરેશીને ખુદ ગાંધીજીએ ખોળામાં રમાડયા હતા અને સંસ્કારોનું સિંચન પણ કર્યું હતું. સીએન વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ બી.એ. એલએલબી સુધીનો અભ્યાસ કરી તેમણે હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સાથે ર૦ વર્ષ સુધી તેમણે વકીલાત કરી હતી. જો કે સત્યાગૃહની ૧૯૪રની ચળવળ ચરમસીમાએ પહોંચી ત્યારે અબ્દુલ હમીદના માતા-પિતાને જેલમાં પૂરી દીધા હતા ત્યારે અનસુયાબેન સારાભાઈ અબ્દુલ હમીદ અને તેમના ભાઈ-બહેનને તેમના ઘરે લઈ જઈને ચાર મહિના સુધી રાખ્યા હતા. વધુમાં પરિવારના સભ્ય એ ઉમેર્યું હતું કે ગાંધીજીના વિચારો અને તેમની સાદાઈને વરેલા અબ્દુલ હમીદ કુરેશીએ કહયું હતું કે મૃત્યુ પછી મારા દેહ માટે થોડી ઘણીએ જમીન રોકી રાખતા નહીં અને મારા દેહને અંગ્નિસંસ્કાર આપજો. તેવી તેમની ઈચ્છાને માન આપીને અમે તેમના દેહનો વી.એસ. હોસ્પિટલ પાસેના સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર કરીશું. આમ વધુ એક ગાંધીવાદીએ વિદાય લેતાં ગાંધી વિચારધારાને અનુસરતા લોકોને કદીયે ન પુરાય તેવી ખોટ પડી છે.
અબ્દુલ હમીદે ગાંધીજીના પ્રપૌત્રને આર્થિક સહાય આપી હતી
અબ્દુલ હમીદ કુરેશીના અનુભવોને ગોળતા ગાંધીવાદી ધીમતભાઈએ કહ્યું હતું કે એક વર્ષ અગાઉ ગાંધીજીના પ્રપૌત્રની આર્થિક સંકડામણ હતી ત્યારે ખુદ અબ્દુલ હમીદ દાદાએ તેમને રોકડ સહાય આપી હતી. તે ઘટનાનો હું સાક્ષી છું. તેમજ તેમની ખબરઅંતર પણ રાખતા હતા. આમ અબ્દુલ હમીદ કુરેશીને માત્ર ગાંધીજી સાથે જ નહીં પરંતુ તેમના પરિવારજનો સાથે પણ એટલી જ લાગણી હતી.
ગાંધીયુગના પ્રતિનિધિ ગુમાવ્યા
અબ્દુલ હમીદ કુરેશી અંગે પ્રોફેસર રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ગાંધીજી દ્વારા જેમનું સંસ્કાર સિંચન થયું તેવા અબ્દુલ હમીદ કુરેશીના નિધનથી આપણે ગાંધી યુગના પ્રતિનિધિ ગુમાવ્યા કહી શકાય. સ્વાતંત્ર્યની લડતમાં તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. જો કે ગાંધીજીને અબ્દુલ હમીદ પ્રત્યે લાગણી હતી. એટલે તેઓ તેમને નિયમિત પત્રો લખીને તેમની ખબર અંતર પૂછતા રહેતા હતા. જો કે હમીદ કુરેશીએ તેમના અનુભવો ઉપર ‘અગ્નિપરીક્ષા’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. એમ પ્રો.કાદરીએ જણાવ્યું હતું.