(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બે મીડિયા ગ્રુપોને રાફેલ સોદા બાબત ઈન્ટરવ્યુ આપ્યા હતા. એમણે ઈકોનોમિક ટાઈમ્સ અને ધ હિન્દુને જણાવ્યું હતું કે ૩૬ જેટનો ઓર્ડર આપ્યો હતો પણ ૧ર૬માંથી બાકીના વિમાનો ‘મેઈન ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ હેઠળ દેશમાં જ ઉત્પાદિત કરવામાં આવશે. એમણે કહ્યું કે બાકીના ૧૧૪ જેટ વિમાનો માટે અમોએ જાહેરાત આપી છે. અમને સાત કંપનીઓ મળી છે. જેમણે રસ દાખવ્યો છે અને હવે અમે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેથી હરીફાઈ વધશે. એવું માનવાની જરૂર નથી કે અમોએ અમારી જરૂરિયાતને ઘટાડી છે.
પણ નિર્મલા સીતારમણે સપ્ટેમ્બર ર૦૧૮માં ઈન્ડિયન એક્ષપ્રેસને જણાવ્યું હતું કે ભારતે ર૦૧પના વર્ષમાં ફ્રાન્સ પાસેથી ફક્ત ૩૬ રાફેલ મેળવવા સોદો ્ર્કર્યો હતો. પાછલી યુપીએ સરકારે ૧ર૬ વિમાનો માટે વાતચીત કરી હતી પણ અમોએ માત્ર ૩૬ રાફેલની વાત કરી હતી. કારણ કે માળખાકીય સુવિધાઓ અને અન્ય ટેકનિકલ જરૂરિયાતો મુજબ ભારતીય વાયુસેના વધુ વિમાનોનો સમાવેશ કરવા મંજૂરી આપતી નથી.
સીતારમણે એ પણ કહ્યું કે અમારા સોદા વચ્ચે કોઈ વચેટિયો નથી.