(એજન્સી) હિસાર, તા.૧૧
હરિયાણાના હિસારના સતલોક આશ્રમમાં થયેલ હત્યાના બે કેસોમાં જેલમાં બંધ કરાયેલ જાતે બની બેઠેલ સંત રામપાલને ગુરૂવારે કોર્ટે દોષી ઠરાવ્યો હતો. હિસાર કોર્ટ આ મામલે ૧૬મી ઓક્ટોબરે સજા સંભળાવશે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટની રચના કરાઈ હતી અને સેશન્સ જજ ડી.આર. ચાલિયાએ કેસની સુનાવણી કરી હતી. આ કેસ ર૦૧૪ના વર્ષનો છે જ્યારે રામપાલના આશ્રમમાં હિંસા ભડકી હતી જેમાં પાંચ મહિલાઓ સમેત ૬ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ચુકાદા પછી રામપાલના સમર્થકો દ્વારા ધમાલ થવાની શક્યતાના લીધે જેલની અંદર જ કોર્ટની રચના કરાઈ હતી. બીજી બાજુ ચુકાદાને ધ્યાનમાં રાખી સમગ્ર હિસારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના નહીં બને એ માટે ૧૪૪મી કલમ સમગ્ર શહેરમાં લાગુ કરાઈ છે. આજુબાજુના ૭ જિલ્લાઓમાં પોલીસબળ મૂકાયો છે અને આરએએફને પણ ખડેપગે તૈયાર રખાયું છે. હિસારના પંચકુલામાં રામરહીમને કોર્ટે ચુકાદો આપી સજા સંભળાવી હતી તે વખતે ખૂબ જ ભયંકર તોફાનો થયા હતા. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ૧૮મી નવેમ્બર ર૦૧૪માં સતલોક આશ્રમના સંચાલક રામપાલને બરવાલા સ્થિત એમના આશ્રમમાંથી બહાર કાઢવા માટે પોલીસને ખૂબ જ મુશ્કેલી થઈ હતી. કાર્યવાહીના પહેલાં દિવસે ઘણી બધી વ્યક્તિઓ ઘવાઈ હતી પણ રામપાલના સમર્થકો ત્યાંથી ખસ્યા નહીં. પોલીસે હિંસાના મામલે રામપાલ ઉપરાંત ૧પ વ્યક્તિઓ ઉપર અને અન્ય એક મામલામાં રામપાલ સમેત ૧૪ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરાયો હતો.