માંગરોળ,તા.૧પ
માંગરોળ બંદર પર મહાલક્ષ્મી શી ફુડ્સ કંપનીના માલિક અરજન લખ્ખમ સુખડીયાના પૂત્ર રતીલાલ (ઉ.વ.૩૬)એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા માંગરોળ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અરજન લખ્ખમ સુખડીયે તેમના બે પુત્રો રાજેશ અને રતીલાલના સહકારથી માછલાના વેપાર કરી મહાલક્ષ્મી શી ફુડ્સ નામની કંપની ઉભી કરી માંગરોળ ઉપરાંત ઓખામાં પણ સારી એવી પ્રસિદ્ધ મેળવી હતી. વર્ષોથી માંગરોળ બંદર પર ખારવા સમાજમાં સારૂ એવું વગ ધરાવતા તેમજ અનેક બોટોના માલિક અને પૈસે ટકે ઘનવાન અને ઉદ્યોગપતિ ગણાતા સુખડીયા પરિવારના કમાન સ્વરૂપ યુવાન પુત્ર રતીલાલ સુખડીયાએ આજ રોજ તેમના નિવાસ સ્થાને ગણે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. પીએમ માટે લાશને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ખારવા સમાજના વેલજીભાઈ મસાણી, જમનાદાસ વન્ડુર, હરીભાઇ ખેતલપાર સહિત અનેક આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.