Site icon Gujarat Today

ટેક્સાસમાં બર્થ-ડેે પાર્ટીમાં ફાયરિંગ ચારનાં મોત, એક ઘાયલ, એકની ધરપકડ

(એજન્સી) ટેકસાસ, તા.૧પ
અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં એક વર્ષના એક બાળકની બર્થ-ડે પાર્ટીમાં કેટલાક લોકો વચ્ચે થયેલ વિવાદ અને ચર્ચા બાદ અચાનક જ લોકો વચ્ચે ફાયરિંગ શરૂ થઈ જતાં આ ફાયરિંગમાં ચારનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. પોલીસે આ કેસમાં ર૦ વર્ષના એક યુવાનની ધરપકડ કરી છે.
બર્થ-ડે પાર્ટીમાં કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થતાં મામલો વધુ ઉગ્ર થતાં એકાએક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. અણધાર્યા ફાયરિંગથી બર્થ-ડે પાર્ટી માટે એકત્ર થયેલા લોકો ડઘાઈ ગયા હતા અને ફાયરિંગને કારણે ભાગદોડ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા પાર્ટીમાંથી બહાર દોડી આવ્યા હતા અને ભારે અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાબડતોબ પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાને અંકુશમાં લીધો હતો. પોલીસે આ કેસમાં ધરપકડ કરેલ ર૦ વર્ષીય યુવાનના ૩૭ વર્ષના પિતા પર પણ પોલીસને શક છે. જો કે પોલીસે હજુ સુધી આ યુવાનના પિતાની ધરપકડ કરી હતી. વીકએન્ડમાં એક બાળકની બર્થ-ડે પાર્ટી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ત્યારે ફાયરિંગની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ આ ઝઘડો કયા કારણસર થયો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

Exit mobile version