(એજન્સી) તેહરાન, તા. ૧૬
અમેરિકા દ્વારા લદાયેલા પ્રતિબંધો હવે ચરમસીમાએ પહોંચતા વધતી તંગદિલી વચ્ચે ઇરાને મંગળવારે જણાવ્યું હતું કે, તેણે જમીનથી દરિયામાં માર કરનારી મિસાઇલો તાણી દીધી છે. ઇરાને પહેલા જ ચેતવણી આપી દીધી હતી કે, જો અમેરિકા તેના તેલની નિકાસમાં રોડાં નાખવાનો પ્રયાસ કરશે તો અરબી સમુદ્રમાં અમેરિકાના જહાજોને તોડી નાખશે. ઇરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સ એરસ્પેસ ડિવિઝનના અધ્યક્ષ અમીરઅલી હાજીઝાદેહે જાહેરાત કરી છે કે, તેમણે મિસાઇલો ખડકવામાં વધારો કરીને તેની સંખ્યા ૪૩૫ કરી દીધી છે. તેમણે કહ્યું કે, તેઓએ કોઇ ક્રૂઝ મિસાઇલ નહીં પણ જમીનથી દરિયામાં માર કરનારી મિસાઇલો ગોઠવી છે આ મિસાઇલો કોઇપણ જહાજ અથવા શિપને ૪૩૫ માઇલ દૂરથી તોડી શકવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાએ ઇરાનના ઇંધણના વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાની ધમકી ઉચ્ચારી છે અને નવા પ્રતિબંધો લાદવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેનાથી વિશ્વના માર્કેટ પર તેની નકારાત્મક અસર નહીં પડે તેવા પણ સંકેત આપ્યા છે. ઇરાનમાં અમેરિકાના ખાસ રાજદૂત બ્રાયન હૂકે કહ્યું છે કે, ઇરાન ઇંધણોની મહેસૂલી આવકથી મધ્યપૂર્વના દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપી તેને સમર્થન કરે છે અને પોતાના દેશમાં બેલેસ્ટિક મિસાઇલનો પ્રસાર કરે છે. તેમણે કહ્યું છે કે, અમારી એવા દેશો સાથે વાત ચાલુ છે જેઓ ઇરાન સાથેના વેપારનો ઓછો કરવા માગે છે તેની આયાત ઘટાડવા માગે છે. અમે હાલમાં પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઇંધણોની નિકાસ કરી શકે તેવા વિકલ્પોની શોધમાં છીએ. હૂકે કહ્યું છે કે, ચોથી નવેમ્બરથી ઇરાન પરના પ્રતિબંધો ચાલુ થયા પહેલા અમે બ્રિટન, જર્મની અને ફ્રાન્સ સાથે વાત કરી છે. મે માસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમજૂતી પરત ખેંચવાની જાહેરાત બાદ તેહરાન અને અન્ય વૈશ્વિક સત્તાઓ વચ્ચે ૨૦૧૫ના પરમાણુ કરારને બચાવવા માટે આ ત્રણેય દેશો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇરાન વિશ્વમાં ઇંધણો પુરા પાડવામાં ત્રીજો સૌથી મોટો નિકાસકાર ઓપેક દેશ છે. ઇરાને પણ જણાવ્યુ છે કે, માર્કેટમાં ઉંચી માગને કારણે ઇંધણોની નિકાસ અટકી શકશે નહીં.