Site icon Gujarat Today

શાળામાં ૮૦ ટકાથી ઓછી હાજરી હશે તો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં

અમદાવાદ, તા.૧૬
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૬૫% કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તે નિયમને હવે શિક્ષણ બોર્ડે વધુ કડક બનાવ્યો છે. હવેથી આગામી માર્ચ ર૦૧૯માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓની હાજરી શાળામાં ૮૦ ટકા ફરજિયાત કરાઈ છે. તેનાથી ઓછી હાજરી ધરાવનારા વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં. બોર્ડ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા અંગેના હાજરીના નિયમોમાં આ વર્ષથી ફેરફાર કરાયા છે. વિદ્યાર્થીઓની ફરજિયાત ૮૦ ટકા હાજરી થાય તો જ પરીક્ષામાં બેસવા દેવાશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ૬પ ટકા હાજરી હોય તો પણ પરીક્ષા આપી શકતા હતા તેવા કિસ્સામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નહિ, પરંતુ ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા, જોકે વાજબી કારણસર ૧પ ટકા છૂટ આપવામાં આવશે.
૮૦ ટકા હાજરી માટે સત્રના પહેલા દિવસ અથવા તો ૧પ જૂન જે પહેલાં આવતી હોય ત્યાંથી લઇને ૧પ ફેબ્રુઆરી સુધીના દિવસોની ગણતરી કરવામાં આવશે. ખાનગી વિદ્યાર્થી આ નિયમનો ગેરફાયદો ઉઠાવી સ્કૂલો ઊંચા પરિણામ મેળવવા માટે નબળા વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થીઓ તરીકે ગણાવતી હોવાની અનેક ફરિયાદો બોર્ડના ધ્યાને આવી હતી.
તેથી હવે ઓછી હાજરી વાળા વિદ્યાર્થીઓને ખાનગી તરીકે ગણવામાં નહી આવે. જોકે કોઈ ગંભીર બીમારીના સંજોગોમાં રજા પાડી હશે તો તેવા સંજોગોમાં સ્કૂલોએ એફિડેવિટ કરી બોર્ડ સમક્ષ સાબિત કરવું પડશે. તેમાં ૧૫ ટકા જેટલી ઓછી હાજરી હોય તો તેવા સંજોગોમાં સ્કૂલ દ્વારા યોગ્ય કારણ સાથે બોર્ડમાં રજૂઆત કરવામાં આવે તો ચેરમેન દ્વારા સ્પેશિયલ પરવાનગીથી તેને માન્ય ગણવામાં આવશે.

Exit mobile version