નવસારી, તા.૧૯
નવસારીના શ્રમિકો માટે દશેરાનો તહેવાર ભયાવહ સાબિત થયો હતો. દશેરાનમાં દિવસે સુરતનાં સચિન ખાતે મજૂરી અર્થે જઈ રહેલા ૨૧ શ્રમિકો ભરેલો ટેમ્પો ખારેલ ગામ પાસે પલટી ખાઈ ગયો હતો. જેના પગલે ટેમ્પોમાં સવાર ૨૧ મજૂરો સહિત ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નવસારી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નવસારીના નેશનલ હાઇવે ઉપર આવેલાખારેલ ગામ પાસે ડ્રાયવર સહિત ૨૧ મજૂરો સુરતના સચિન ખાતે મજૂરી કામ માટે ટેમ્પામાં બેસીને રવાના થતા હતા. દરમ્યાન માર્ગનું લેવલ ઊંચું નીચું હોવાને કારણે ટેમ્પો સ્લીપ મારતાં ટેમ્પો ચાલાક સહિત ૨૨ મજૂરો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેઓને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી હતી.
નવસારીના નવા તળાવના મજૂરો માટે દશેરાનો તહેવાર આફત બન્યો હતો. સાથે આવનાર દિવાળીના તહેવારની ઉજવણીમાં અકસ્માત પણ બાધારૂપ બનતા પરિવારના તમામ લોકો દુવિધામાં મુકાયા છે. જો કે, ૨૧ લોકોની હાલત સુધારા પર આવી શકે તેમ તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.