ગૌહાટી, તા.ર૦
બેટિંગથી લઈ બોલિંગ સુધી ભારતીય ટીમ મજબૂત દેખાઈ રહી છે પણ તેમ છતાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ રવિવારથી શરૂ થનાર પાંચ મેચોની વન-ડે સિરીઝમાં તે આગામી વર્ષે રમાનાર વિશ્વકપ પહેલાં મધ્યમક્રમની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડમાં આઠ મહિનાથી પણ ઓછા સમયમાં વિશ્વકપ શરૂ થઈ જશે અને ભારત પાસે પોતાનો મધ્યમક્રમને વ્યવસ્થિત કરવા માટે ફક્ત ૧૮ મેચ બાકી છે એમાં પણ નંબર ચાર સ્થાન વિશેષ છે. જેમાં અત્યારસુધી અનેક બેટ્સમેન અજમાવી ચૂક્યા છે પણ કોઈ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. પંતને વન-ડેમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. તેણે ટેસ્ટ મેચોમાં પોતાની બેટીંગથી બધાને પ્રભાવિત કર્યા છે. પંતને દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો છે. તે પ્રથમ વન-ડે માટે પસંદગી કરાયેલી ૧ર ખેલાડીઓની ટીમમાં છે. ધોની ઉપર બધાની નજર રહશે જે હાલ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. બીજી બાજુ વિન્ડીઝને ગેલ અને રસેલની ખોટ પડશે. લુઈસના હટવાથી ટીમને ફટકો પડ્યો છે. વેસ્ટઈન્ડિઝ પાસે જો કે અનુભવી માર્લોન સેમ્યુઅલ, જેસન હોલ્ડર અને ઝડપી બોલર કેમાર રોચ છે.