Site icon Gujarat Today

બેંગ્લુરુમાં કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લાવવા આઈટીના દરોડા પડાયા : ભરતસિંહ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના ભય અને ડરથી લોકશાહીની રક્ષા અને પોતાના સુરક્ષા માટે બેંગ્લુરુ ગયા છે. જો કે ત્યાં પણ એક યા બીજા બહાને તેમને હેરાન પરેશાન કરાઈ રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજરોજ કર્ણાટકના મંત્રી નિવાસે અને કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે રિસોર્ટમાં ઈન્કમટેક્ષના દરોડા પડતા કોંગ્રેસ ધૂંઆપૂંઆ થઈ ગઈ છે અને આ ધારાસભ્યો પર દબાણ લાવવા દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. આજે પત્રકારોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સત્તાની લાલચમાં ગમે તે હદે જઇ શકે છે અને ગમે તેટલા નિમ્નસ્તરે જઇ શકે છે, તે આજના ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં જો ધારાસભ્યોની જ સલામતી ના હોય તો, આમજનતાની સલામતી કેવી રીતે હોઇ શકે તેવો ગંભીર સવાલ તેમણે ઉઠાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ દ્વારા સત્તાના જોરે કેન્દ્રીય એજન્સીઓના દૂરપયોગની કાર્યવાહીને વખોડતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સત્તાનો દૂરપયોગ કરી કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવવાનો અને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને દબાણમાં લાવવાના બદઇરાદાથી જ બેંગ્લુરૂમાં રેડ પાડવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો આ પ્રકારે ભાજપના કોઇપણ પ્રકારના દબાણ, ધાકધમકી કે લાલચને વશ નહી થાય. કોંગ્રેસના તમામ ધારાસભ્યો મક્કમ છે. રાજયસભાની બેઠક માટે કોંગ્રસ પાસે પૂરતા મત છે અને રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો વિજય સુનિશ્ચિત છે. ભાજપ દેશની લોકશાહીના મૂલ્યોની પરવા કર્યા વિના ગમે તે ભોગે રાજયસભાની ત્રીજી બેઠક જીતવા હવાતિયાં મારી રહી રહ્યું છે. રાજયસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની હારશે તે નક્કી છે. ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કહી રહ્યા છે કે, બલવંતસિંહ હારે તો વાંધો નથી. ચાલચલન અને ચરિત્રની વાતો કરનાર ભાજપ પાસે કોઇ નૈતિક મૂલ્યો નથી, તે જ સૌથી મોટા દંભીઓ છે. અટલબિહારી વાજપેયી જે કાયદો લઇને આવ્યા હતા, તેની વિરૂધ્ધમાં જ હાલની ભાજપ સરકાર કામ કરી રહી છે જે અત્યંત શરમજનક છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સત્તાની લાલચમાં તમામ નૈતિકતાની હદ વટાવી રહ્યું છે અને લોકશાહીનું ગળુ દબાવી રહ્યું છે પરંતુ કોંગ્રેસ લોકશાહીની હત્યા ભાજપને કરવા નહી દે. આજના ઘટનાક્રમ પરથી ભાજપે સત્તાના નશામાં જે પ્રકારે કેન્દ્રીય એજન્સીનો દૂરપયોગ કરી ધારાસભ્યોને ભયભીત કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, તેનાથી દેશની પ્રજા સમક્ષ ભાજપનો વરવો ચહેરો ખુલ્લો પડ્યો છે.

Exit mobile version