(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૪
લોહાણા સમાજના પ્રમુખ દયારામે કરેલા લાખો રૂપિયાનો ગોટાળો સમાજ સમક્ષ મુકનાર પ્રમુખ દયારામ સહિતના પરિવારે વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ ગુજારતા કૌભાંડ બહાર પાડનારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લોહાણા સમાજના ટ્રસ્ટના પ્રમુખ દયારામ સવજીભાઈ કોટક પાસેથી મરણ જનાર ઘનશ્યામ ઠક્કરે રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા. જેઓ સમયસર વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન પ્રમુખ દયારામ કોટકે સમાજના હિસાબમાં ગોટાળો કર્યો હતો. જે મરણ જનારે સમાજનો હિસાબ ચેક કરતાં લાખો રૂપિયાનું કૌભાંડ ઝડપી પાડી સમાજ સમક્ષ રજૂ કરતા સમાજે પ્રમુખ દયારામ સહિતનાની કમિટીનું રાજીનામું લઈ લીધું હતું. જેની અદાવત રાખી આરોપી દયારામ, પુત્ર સુભાષ દયારામ, ગિરીશ દયારામ, મરણ જનાર ઘનશ્યામભાઈ ઠક્કરને રૂપિયા આપવા માટે શારીરિક માનસિક ત્રાસ ગુજારતા ઘનશ્યામભાઈ ઠક્કરે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર ચિરાગ ઘનશ્યામે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.