અમદાવાદ,તા.૧પ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રર૯ જેટલા બગીચા અમૂલને સારસંભાળ માટે આપવામાં આવ્યા છે. તેના બદલામાં અમૂલને બગીચાની જમીનમાં પાર્લર ચલાવવાની છૂટ આપવામાં આવી હતી. આ પાર્લરો તો ધમધોકાર ચાલી રહ્યા છે. પરંતુ અમૂલ દ્વારા બગીચાના સારસંભાળ લેવાની તસ્દી ન લેવાતા મ્યુનિસિપલ કમીશનરે બાગ બગીચા વિભાગને નોટિસ ફટકારવા આદેશ આપતા દોડધામ મચી ગઈ છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરનાં મોટા ભાગનાં બગીચા અમૂલને સાર-સંભાળ માટે અપાયાં છે. તેનાં બદલામાં સત્તાવાળાઓએ લાખો કરોડો રૂપિયાની બગીચાની જમીનમાં અમૂલને પાર્લર ચલાવવાની છૂટ આપી છે. જો કે બાગ-બગીચાની સારસંભાળ તો થઇ શકતી નથી પરંતુ કેટલાંક કિસ્સામાં થર્ડ પાર્ટીને પાર્લર ઊંચા ભાવે ચલાવવા અપાયાં હોવાંની પણ ચર્ચા છે. સામાન્ય નાગરિકોને સ્વચ્છતાનાં નામે રોડ પર થૂંકવા સહિત કચરો ફેંકવા માટે રૂ.૧૦૦નો દંડ વસુલનાર સત્તાધીશો અમૂલનાં સંચાલકો પાસેથી એક રૂપિયાનો દંડ વસૂલી શકતા નથી. છેક વર્ષ ર૦૦રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાનગીકરણની બોલબાલા વધવાથી શહેરનાં ૪ર બગીચાની સારસંભાળ અમૂલને અપાઇ હતી. ત્યારથી અમૂલ દ્વારા બગીચામાં પાર્લર ઊભા કરાઇ રહ્યાં છે. ત્યાર બાદ જેમ જેમ નવા બગીચા બનતા ગયાં તેમ તેમ તેનો સારસંભાળનો હવાલો અમૂલને સોંપાતો ગયો. ૪ર બગીચાનાં ૧ર૩ બગીચા, પછી ર૧ર બગીચા અને હવે રર૯ બગીચાનો હવાલો અમૂલ હસ્તક છે, બગીચાની સંખ્યા વધતી ગઇ. જો કે અમૂલ હસ્તકનાં બગીચામાં મેન્ટેનન્સનાં ધાંધિયા યથાવત રહેવા પામ્યાં છે. અમૂલ હસ્તક બગીચામાં સિક્યોરીટી, રમતગમતનાં સાધનો, લોન સહિતનાં ગાર્ડનીંગનાં ધાંધિયા, લાઇટીંગ-વોટરીંગનાં પ્રશ્નો વગેરેનો મામલો ઉઠ્યો હતો. રર૯ બગીચા પૈકીનાં અનેક બગીચા ટોઇલેટની ગંદકી, નબળી સિક્યોરીટી, ઉબડખાબડ વોકવે, બાળકોના રમતગમતના સાધનોની દયનીય દશાનાં કારણે જે ખરાબ હાલતમાં હોઇ હાલનાં કમિશ્નર વિજય નહેરા ખફા થયાં છે. કમિશ્નર વિજય નહેરાએ અમૂલ હસ્તકનાં બગીચામાં સાત દિવસમાં મેન્ટેનન્સને લગતા ધાંધિયા દૂર થાય તેવી તત્કાળ નોટીસ ફટકારવાનો બાગ-બગીચા વિભાગને આદેશ આપતા તંત્રમાં દોડધામ મચી છે.