અમદાવાદ, તા.૧પ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટની સમગ્ર ગુજરાતની કારોબારી મીટિંગ અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે રાખવામાં આવી હતી. જેમાં એ.આઈ.સી.સી.ના મંત્રી જીતેન્દ્ર બઘેલએ પક્ષમાં લઘુમતીઓને પુરતું રક્ષણ અને સન્માન મળે તેવી બાંહેધરી આપી હતી. તેમજ રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા ગુજરાતના લઘુમતી સમાજના લોકોને અપીલ કરી હતી. તેમણે માઈનોરિટીના સંગઠન બાબતે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ મીટિંગમાં તમામ સેલોના તેમજ ગુજરાતના માયનોરિટી નિરીક્ષક ઈન્ચાર્જ ડૉ.મિરઝા બોમ્બે તેમજ ગુજરાત કોંગ્રેસ માયનોરિટી ચેરમેન ગુલાબખાન રાઉમા તેમજ વાઈસ ચેરમેન ચીરાગ શેખ સહિત ગુજરાતના તમામ જિલ્લાના ચેરમેનો ઝોનલ ચેરમેનો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ.મિરઝાએ માર્ગદર્શન આપ્યું હતું તેમજ લઘુમતીઓને પક્ષમાં સ્થાનિક ચૂંટણીઓમાં પ્રતિનિધિત્વ આપવા માટે જણાવ્યું હતું. ગુલાબખાન રાઉમાએ તમામ કારોબારીને તેમજ ચેરમેનોને આવનારી આગામી લોકસભાની ચૂંટણીમાં તન મન ધનથી પક્ષને સાથે રહી મદદ કરવા તેમજ ર૬ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા મહેનત કરવા અપીલ કરી હતી. જ્યારે ચીરાગ શેખએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ કોંગ્રેસ પક્ષ સાથે એટલા માટે છે કે કોંગ્રેસ પક્ષ બિનસાંપ્રદાયીક છે આગામી લોકસભાની ચૂંટણીમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ મહેનત કરી કોંગ્રેસ પક્ષલક્ષી પરિણામ લાવીને વર્તમાન ફાસીસ્ટ વાદી સરકારને જાકારો આપવા વિનંતી કરી હતી. આભારવિધિ અને મીટિંગનું સફળ સંચાલન સુશીલ મેકવાને કર્યું હતું.