(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર નવા આયાત કર ન લાદવાની શક્યતા અંગે વાત કરી છે. એવી આશંકા હતી કે આ વખતે અમેરિકા, ચીનના ર૬૭ અરબ ડોલરના સામાન પર આયાત કર લગાવી શકે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે, ચીન વેપાર વિવાદ ઉકેલવા માટે અમેરિકા સાથે સમાધાન કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારનું સમાધાન પારસ્પરિક હોવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમ પણ કહ્યું કે, તેમની સરકાર ચીનના ર૬૭ અરબ ડોલરના સામાનો પર ત્રીજી વખતના આયાત કરને ન લાદવાની સંભાવના વિશે વિચાર કરી રહી છે. અમે રપ૦ અરબ ડોલરની કિંમતના સામાન પર આયાત કર લાદયો. જો અમે ઈચ્છીએ તો અમે ર૬૭ અરબ ડોલરના અન્ય સામાન પર પણ કર લાદી શકીએ છીએ. અમે કદાચ એવું નહીં કરીએ. ચીને કોઈ સમાધાન કરવું પડશે. ચીને અમેરિકાના આગ્રહના જવાબમાં વેપાર ક્ષેત્રમાં પરિવર્તન માટે આ સપ્તાહે એક યાદી મોકલી છે.