Ahmedabad

હજ કવર નંબરની રસીદમાં કંઈપણ ભૂલ હોય તો ૧ર ડિસેમ્બર સુધી સુધારવી

અમદાવાદ,તા.૧૯
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત વર્ષ ર૦૧૯માં હજ યાત્રાએ જવા ઈચ્છુક હજ અરજદારોને કવર નંબરની એકનોલોજમેન્ટ રસીદ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રસીદમાં નામ, સરનામા, ટેલિફોન નંબર વગેરે જે કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તા.૧ર-૧ર-ર૦૧૮ સુધી રૂબરૂ અથવા ઈ-મેઈલ પર સંપર્ક કરવા ગુજરાત રાજય હજ સમિતિના સચિવ આર.આર. મનસુરીએ જણાવ્યું છે. ગુજરાત રાજય હજ સમિતિ દ્વારા હજ અરજદારોને કવર નંબરની એકનોલોજમેન્ટ રસીદ પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે. તેમજ મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ મુકવામાં આવેલ છે. આથી કવર નંબરવાળી રસીદમાં નામ, સરનામા, પાસપોર્ટ નંબર બેન્ક એકાઉન્ટની વિગતો કે ટેલિફોન નંબરમાં કંઈ પણ ભૂલ થયેલ હોય તેમજ નિયમોનુસાર રિઝર્વ કેટેગરીમાં આવતા અરજદારોને જીજેઆર નંબર તેમજ જનરલ કેટેગરીમાં આવતા અરજદારોને જીજેએફ નંબર ફાળવાવમાં આવેલ છે. આથી ઉકત બાબતે કવર નંબરોમાં કંઈ ભૂલ થયેલ હોય અથવા ઉદાહરણ રૂપ ૪ અરજદારોને બદલે ર અરજદારોની ભૂલથી નોંધણી થયેલ હોય તેવા તમામ અરજદારો કે જેને હજ સમિતિ દ્વારા કવર નંબરો મળી ગયેલ હોય તેઓએ કવર નંબરની રસીદ ફરજિયાત ચેક કરી લેવી. આ બાબતે થયેલ ભૂલો અંગે કવર નંબરવાળી રસીદની ઝેરોક્ષ કોપી સાથે ગુજરાત હજ હાઉસ, રેવાબાઈ ધર્મશાળા પાસે કાલુપુર જૂના રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે તા.૧ર-૧ર-ર૦૧૮ સુધી રૂબરૂ અથવા e-mail : compcell.gshc@gmail.com પર સંપર્ક કરવો ત્યાર બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જે અરજદારોએ હજ ર૦૧૯ માટે અરજી કરેલ હોય તેમજ ફોર્મમાં પૂરતી વિગતો દર્શાવેલ ન હોય તેઓને હજ કમિટી દ્વારા ફોન તેમજ ટપાલ દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે. તેમણે અધુરી વિગતોવાળી અરજીની પૂર્તતા કરી તા.૧ર-૧ર-ર૦૧૮ સુધીમાં પહોંચાડવાની રહેશે. ત્યાર બાદ આવેલ અધુરી વિગતોવાળી અરજી દફતરે કરવામાં આવશે.