દાહોદ, તા.૧૯
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામની પ્રેમીકાને તથા તેના માતા-પિતાને પ્રેમી તથા તેના પિતા અવાર-નવાર મારી નાખવાની ફોન પર ધાકધમકી આપતા તથા રૂબરૂમાં ધાકધમકી આપતા પ્રેમીકાને મનમાં લાગી આવતા તેણીએ ઝેરી દવા ગટવટાવી ઝેરના પારખા કરી લેતા તેનું મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝરીબુઝર્ગ ગામના મુંડિયા ફળિયામાં રહેતા જવસીંગભાઈ બચુભાઈ સંગોડની છોકરી ૧૯ વર્ષીય જાશનાબેનને પાટિયા ગામના ઘુદોળાવ ફળિયાના વિજય રૂમાભાઈ ભૂરિયા સાથે પ્રેમસંબંધ થતા તેની પત્ની તરીકે રહેતી હતી અને પ્રેમી વિજય રૂમાભાઈ ભૂરિયા તથા તેના પિતા રૂમાભાઈ કાળિયાભાઈ ભૂરિયા એમ બંને બાપ-બેટાએ જાસનાબેન તથા તેના માતા-પિતાને ફોન પર તથા રૂબરૂમાં આવી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હેરાન કરતા હોઈ આ બાબતે જાશનાબેનને મનમાં લાગી આવતા તેણીએ ઝેરી દવા પી જઈ ઝેરના પારખા કરી લેતા ઝેરની અસર આખા શરીરમાં થતા તેનું મોત નિપજ્યું હતુ.
આ સંબંધે ઝરીબુઝર્ગ ગામની મૃતક જાશનાબેનના પિતા જવસીંગભાઈ બચુભાઈ સંગોડએ ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પાટિયા ગામના વિજય રૂમાભાઈ ભૂરિયા તથા તેના પિતા રૂમાભાઈ કાળિયાભાઈ ભુરીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી બંને બાપ-બેટાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.