(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
ભૂજના ઐતિહાસિક ભૂજિયા ડુંગર પર નિર્માણ પામી રેહલા સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ ૪૭૦ એકર વિસ્તારમાં અહીં થઈ રહેલા વિવિધ કાર્યો ટૂરિસ્ટ ફ્રેન્ડલી અને સિનિયર સિટિઝન ફ્રેન્ડલી બને તે રીતે સુવિધાસભર બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કચ્છના ર૦૦૧ના ભયાવહ ભૂકંપમાં જાન ગુમાવનારા ૧૩૮૦પ મૃતકોની કાયમી યાદમાં ભૂજિયા ડુંગર પર આ સ્મૃતિવનનું નિર્માણ થઈ રહ્યું છે. જેની કામગીરીની આજે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. તેમણે સમીક્ષા બેઠકમાં એવી પણ સૂચના આપી કે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ પ્રકારની સુવિધા સ્મૃતિવનમાં ગોઠવવી જોઈએ. પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઈલેટ બ્લોક, પાર્કિંગ એરિયા બનાવવા પડશે. તદ્ઉપરાંત વિશ્રામ માટે બાંકડા મૂકવા તેમજ શાળાના પ્રવાસો માટે અલગ વ્યવસ્થા થાય અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય એ રીતે સમગ્ર આયોજન કરવાની બાબતે તેમણે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અહીં નિર્માણ પામનાર સંગ્રહાલયની સંરચના બાબતે પણ ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે, આ સંગ્રહાલયમાં આવનારા મુલાકાતીને કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થાય તેવું આયોજન કરવું જોઈએ. સ્મૃતિવન દર્શનીય અને રમણીય સ્થળ બની રહે તે માટે ડુંગર ઉપર આકર્ષક લેન્ડ સ્કેપિંગ તથા ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવાની સાથે તેમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળવા તેમણે કહ્યું હતું.