Site icon Gujarat Today

શિવાજી પ્રતિમાની ઊંચાઇ મામલે મુખ્યમંત્રીએ પીએમ, શાહથી ડરવું ના જોઇએ : શિવસેના

(એજન્સી) મુંબઇ, તા. ૧૯
શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને કહ્યું હતું કે, તેઓ મુંબઇના કાંઠે પ્રસ્તાવિત મરાઠા રાજા છત્રપતિ શિવાજીની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી હોવાની જાહેરાત કરે અને આ મુદ્દે તેમણે વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહથી ડરવાની જરૂર નથી. શિવસેનાએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા સૌથી ઊંચી જળવાઇ રહે તે માટે શિવાજીની પ્રતિમાની ઊંચાઇ ઘટાડવાનો એનસીપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટિલે દાવો કર્યો છે. સેનાએ કહ્યું કે, ફડનવીસે મરાઠા સમુદાય માટે અનામત જાહેર કરવા માટે જે હિંમત દેખાડી છે તે જ હિંમત શિવાજીની પ્રતિમા મુદ્દે દાખવે અને આ માટે તેમણે પીએમ મોદી અને અમિત શાહથી ડરવું ન જોઇએ. સેનાએ પોતાના મુખપત્ર સામનાના એડિટોરિયલમાં કહ્યું કે, સરદાર પટેલની પ્રતિમા ઊંચી દેખાડવા માટે શિવાજી પ્રતિમાની ઊંચાઇ ઘટાડવી એ સંકુચિત અને વિકૃત માનસિકતા છે.
શિવસેનાએ ઉમેર્યું કે, જો ફડનવીસ એવી જાહેરાત કરે તો તેનાથી સરદાર પટેલની પ્રતિષ્ઠા નહીં ઘટે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ તાજેતરમાં જ ફડનવીસને યાદ અપાવ્યું હતું કે, તત્કાલિન જવાહરલાલ નહેરૂની સરકારમાં કેન્દ્રીય મંત્રી ચિંતામણરાવ દેશમુખે મહારાષ્ટ્ર સાથે મુંબઇના જાળવી રાખવા માટે પોતાનું રાજીનામું આપવાની હિંમત દેખાડી હતી. તેણે કહ્યું કે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરાયું છે અને લોકો માટે ખુલ્લું મુકાયું છે ત્યારે શિવાજી પ્રતિમાના બાંધકામ માટે હજુ એક ઇંટ પણ મુકાઇ નથી. તેથી એવી શંકા જાગે છે કે, સરદાર પટેલને સમર્પિત પ્રતિમાની સરખાણીએ શિવાજી પ્રતિમાની ઊંચાઇ ઓછી રાખવા માટે કોઇ ષડયંત્ર થઇ રહ્યું છે. કેન્દ્રમાં અને મહારાષ્ટ્ર સરકારમાં ભાગીદાર શિવસેનાએ કહ્યું કે, કોઇપણ નેતા કરતા શિવાજીની પ્રતિમા વધારે મોટી હોવી જોઇએ અને તેમાં તમામ પાર્ટીઓએ સાથે આવવું જોઇએ. ગુજરાતના નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું ૩૧મી ઓક્ટોબરે અનાવરણ કર્યું હતું. આ અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસ અને એનસીપીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, મુંબઇના કાંઠે અરબ સાગરમાં બનનારી શિવાજીની પ્રતિમાની ઊંચાઇ સૌથી વધુ હોવાનો પ્રસ્તાવ હતો પણ હવે તેની ઉંચાઇ ઘટાડવામાં આવી રહી છે. ત્યારે ફડનવીસે તેમના દાવાને ફગાવી દીધો હતો.

Exit mobile version