(એજન્સી) પેરિસ, તા.૧૯
ફ્રાન્સમાં તેલના ભાવ વધારા વિરૂદ્ધ પ્રદર્શનમાં ૪૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉગ્ર પ્રદર્શનમાં એક દેખાવકારે પોતાના જીવથી હાથ ધોયો છે. ઈન્ટરનલ મંત્રી ક્રિસ્ટોફ કૈસ્ટેનરે રવિવારે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની સંખ્યા શનિવાર કરતા બમણી થઈ ગઈ છે. શનિવાર રાત્રે દેખાવકારોએ અલગ-અલગ ૮૭ સ્થળોએ દેખાવો કરતા તેઓએ તેમનો ગુસ્સો જાહેર કરવા માટે રસ્તાઓ બંધ કરી દીધા હતા.
ભારતમાં ડીઝલ અને પેટ્રોલની વધતી જતી કિંમતો સામે લોકો ચૂપ છે જ્યારે ફ્રાંસ જેવા વિકસિત દેશમાં લોકો મોંઘવારી અને સરકારી નીતિઓનો વિરોધ કરવા કેટલા સજાગ છે તેનો જીવતો-જાગતો પૂરાવો આ તસ્વીર છે. તેલની વધતી કિંમતો સામેના પ્રદર્શનમાં ૪૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે, જેમાં ૧૪થી વધુની હાલત ગંભીર છે.
શનિવારે રાત્રે પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાઓએ સલામતી દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. ઇજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓ અને મિલિટરી પોલીસના જવાનો પણ સામેલ છે. એવા અહેવાલ છે કે દેશમાં ૨,૦૦૦થી વધુ સ્થળોએ પ્રદર્શનો થયા હતા અને તેમાં આશરે ત્રણ લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. પોલીસે ૧૫૭ જેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.