અમદાવાદ, તા.૨૦
૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે સરકારે પાસ કન્વિનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ કર્યો હતો. આ કેસમાં આજે સેશન કોર્ટે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ કર્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ ૧૮ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેના આધારે ચાર્જફ્રેમ કરાયા છે. કોર્ટની કાર્યવાહી બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી તેમજ ભવિષ્યમાં કોર્ટનો જે પણ ચૂકાદો આવશે તેને માન્ય ગણશે તેવી વાત કરી હતી. સાથે હાર્દિકે એવું પણ કહ્યું હતું કે, જો ચૂકાદો તેની વિરૂદ્ધમાં આવશે તો તેઓ ઉપલી કોર્ટમાં જશે. “સામાજિક કામમાં વ્યવસ્ત હોવાથી કોર્ટમાં ન આવવાનું નક્કી કર્યું હતું. હું સતત પાંચ વખતથી કોર્ટમાં હાજર રહેતો હોવાથી આ વખતે કોર્ટ રાહત આપે તેવી ઇચ્છા હતી. પરંતુ કોર્ટના આદેશને પગલે હાજર રહેવું પડ્યું છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ જે બનાવ બન્યો હતો તેમાં ભાજપ સરકારના આદેશ પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં આજે ચાર્જફ્રેમની પ્રક્રિયા થઈ હતી. અમે તેના પર સહી પણ કરી છે. હવે નવી તારીખથી કેસ ચાલુ થશે.” સરકારે પાટીદાર અનામત આંદોલનને તોડવાના અનેક પ્રયાસો કર્યા છે. ચાર્જફ્રેમમાં એ વાતનો ઉલ્લેખ છે કે, બંધારણીય રીતે અનામત ન મળી શકે. પોલીસે ખોટી તપાસ કરીને ચાર્જશીટમાં વિગતો મૂકી છે. પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી વિગતો લખીને ચાર્જશીટ તૈયાર કરી છે. અમે નીચલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટ અને હાઇકોર્ટના નિર્ણયને જરૂર પડશે તો સુપ્રીમમાં પડકારીશું. કોર્ટ જે કંઈ કહેશે તેનો સ્વીકાર કરીશું. પરંતુ દુઃખની વાત એ છે કે, દિલ્હીના કનૈયા કુમાર પર લાગેલો કેસ કોર્ટે રદ કર્યો છે. પરંતુ ગુજરાત ભાજપમાં ભાજપની સરકારે પાટીદાર આંદોલનને દબાવવા માટે શક્ય એટલા પ્રયાસ કર્યા છે. ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ પર લાગેલા આક્ષેપ અંગે હાર્દિકે કહ્યું કે, “ક્રાઇમ બ્રાંચના મુખ્ય અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે ત્યારે લોકોને તપાસમાં કેમ વિશ્વાસ બેસે. એ લોકો રૂપિયાના થપ્પા ભેગા કરતા હોય ત્યારે જનતા તેમના પર કેમ વિશ્વાસ મૂકે. જે.કે. ભટ્ટ પર વર્ષોથી આક્ષેપ લાગ્યા છે. અભય ચુડાસમા અને ડી.જી. વણઝારા પર પણ આક્ષેપ લાગ્યા છે.
રાજદ્રોહ કેસમાં દિનેશ બાંભણિયાની ધરપકડ
રાજદ્રોહના કેસમાં સતત ગેરહાજર રહેવાને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પાસ નેતા દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. આ મામલે સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.ગત સુનાવણી દરમિયાન દિનેશ બાંભણિયા કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેની સામે બિન-જામિનપાત્ર વોરંટ ઇશ્યું કર્યું હતું. આજે કોર્ટમાં સુનાવણી હોવાથી ક્રાઇમ બ્રાંચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી છે. દિનેશ બાંભણિયાને આજે ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો.