Site icon Gujarat Today

અયોધ્યામાં રામ મંદિર આંદોલનના જવાબમાં ‘મસ્જિદ આંદોલન’,સંતોની રેલી સામે એસડીપીઆઇનો હલ્લા-બોલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
અયોધ્યામાં સાધુ-સંતો અને શિવસેનાના કાર્યક્રમોમાં ઉમટેલી ભીડ અને તેના વિશે દાવા કરવામાં આવ્યા બાદ રાજકારણ ચાલુ છે. એસડીપીઆઇ એટલે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા નામના સંગઠનના નેતાઓએ ભીડ અંગે કરવામાં આવેલા દાવા વિશે પ્રતિક્રિયા આપી છે. એસડીપીઆઇના નેતા તસ્લીમ રહમાનીએ જણાવ્યું કે નેતાઓની નિવેદનબાજી અને સાધુ-સંતોની ભીડ જોઇને એવું સમજવું જોઇએ નહીં કે બાબરી મસ્જિદનો દાવો ખતમ થઇ ગયો છે. જો વિહિપ અયોધ્યામાં પાંચ લાખ લોકોની ભીડ એકત્રિત કરી શકે છે તો એસડીપીઆઇ પણ અયોધ્યામાં ૨૫ લાખ લોકોની ભીડ એકત્રિત કરી શકે છે. બે દિવસ પહેલા અયોધ્યામાં વિહિપે પોતાના કાર્યક્રમમાં પાંચ લાખ લોકોના પહોંચવાનો દાવો કર્યો હતો. ધર્મસભા સ્થળે એક ઉત્સવ જેવી રોનક હતી અને રામ ભક્ત બનેર્સ અને ભગવા ઝંડા સાથે જોઇ શકાતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી અભિયાન સાથે જોડાયેલા અયોધ્યા જિલ્લા પંચાયતના સભ્ય બબલુ ખાને શહેરની સમગ્ર સંસ્કૃતિ પર ભાર આપ્યો હતો. વિહિપના વરિષ્ઠ નેતા ચંપત રાયે કહ્યું હતું કે તેમને મંદિર માટે જમીનની વહેંચણીની ફોર્મ્યુલા મંજૂર નથી અને તેમની પુરી જમીન જોઇએ છે. એક રેલીમાં વિહિપના આંતર રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે વિહિપ સાંસદો પાસે કાયદો બનાવવાની માગણી કરશે.

‘મુસ્લિમો સ્વેચ્છાએ અયોધ્યાની જમીન નહીં આપે તો કાશી, મથુરામાં પણ મસ્જિદો સાથે એવું જ થશે’ ?

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ધર્મસભાની અધ્યક્ષતા કરતા સ્વામી પરમાનંદ મહારાજે જણાવ્યું કે મુસ્લિમોએ શહીદ કરાયેલી બાબરી મસ્જિદની જમીન હિન્દુઓને સોંપી દેવી જોઇએ. જો હવે કાયદો બનાવવાની જરૂર પડશે તો પછી હિન્દુ સમાજ કાશી અને મથુરાના ધર્મસ્થળ પણ આવી જ રીતે હાંસલ કરશે. તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કોર્ટમાં એવી ખાતરી આપી હતી કે જો શહીદ કરવામાં આવેલી બાબરી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળે પહેલાથી જ મંદિર હોવાની પુષ્ટિ થઇ જાય તો પછી એ વિવાદાસ્પદ સ્થળ અંગે મુસલમાન પોતે જ પોતાનો દાવો છોડી દેશે. સ્વામી પરમાનંદે કહ્યું કે હિન્દુ ધર્મસ્થળોને તોડવાનું પાપ મુસ્લિમ શાસકોએ કર્યું હતું. સામાન્ય મુસ્લિમોએ પોતાની જાતને તેમના ખોટા કૃત્યો સાથે જોડવું જોઇએ નહીં. ધર્મસભાને કારણે અયોધ્યામાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિવાદાસ્પદ ક્ષેત્ર જ નહીં સમગ્ર અયોધ્યા નગરીને છાવણીમાં રૂપાંતર કરી દેવામાં આવી હતી.

Exit mobile version