(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અહમદ પટેલે ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલ કટોકટી માટે માફી માંગતા હાલની મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. પટેલે કહ્યું કે, ઈન્દિરાએ કટોકટી માટે માફી માંગી હતી પરંતુ ર૦૧૪થી જે અઘોષિત કટોકટી છે તેનું શું ?
અહમદ પટેલે કહ્યું કે, દેશ અત્યંત નાજૂક પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે. આજે મીડિયા માટે મોટો પડકાર ઊભો થયો છે. છેલ્લા ર૦ વર્ષોમાં ૪૭ પત્રકારોની હત્યા કરવામાં આવી. પછી એ હત્યા નક્સલવાદીઓએ કરી હોય, આતંકીઓએ કે અનેક પ્રકારના અસામાજિક તત્ત્વોએ, પરંતુ તેમની હત્યા થઈ. પરંતુ ર૦૧૪થી અત્યાર સુધી ર૦ પત્રકારો માર્યા ગયા. છત્તીસગઢ, કાશ્મીર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં આ હત્યાઓ થઈ અને કેમ થઈ તે સૌને ખબર છે.
તેમણે કહ્યું, જો પત્રકારો પર દબાણ કરવામાં આવે છે તો એવામાં લોકશાહીને બચાવી શકવું મુશ્કેલ છે. પત્રકારો પર પોતાની તરફેણમાં કામ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. લગભગ ર૦૦ એજન્સીના લોકો મીડિયા પર નજર રાખી રહ્યા છે. આ લોકો વડાપ્રધાન કાર્યાલયને અહેવાલ મોકલે છે. અઘોષિત કટોકટીનો ઉલ્લેખ કરતા પટેલે મોદી પર નિશાન સાધતા કહ્યું, ‘‘મારે સ્વીકારવું જોઈએ કે બે કાળા ધબ્બા છે. એક કટોકટી અને બીજું ર૦૧૪ બાદની અઘોષિત કટોકટી. અમે તો માફી માંગી લીધી, ઈન્દિરાજીએ માફી માંગી અને પણ વાયદો કર્યો કે, ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં કરવામાં આવે, પરંતુ આ અઘોષિત કટોકટી છે તેનું શું કરવામાં આવે ?’’
અહમદ પટેલે આરોપ મૂક્યો કે, આજે મીડિયા પર બીઆરપી એટલે કે ‘ભાજપ સલ પ્રેશર’ની વધુ ચિંતા છે. આ કારણોસર છે સત્ય હકીકત જ્યાં પહોંચવી જોઈએ તે નથી પહોંચતી. નોટબંધી આનું જ એક ઉદાહરણ છે સરકાર કહે છે કે, અર્થતંત્ર અગાઉ કરતા સારી સ્થિતિમાં છે પરંતુ જમીની હકીકતોના અભ્યાસ પરથી જાણી શકાય છે કે, જીડીપીને કેવી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. આ જ કારણોસર આજે યુવા અને ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે.
પટેલે કહ્યું કે, મીડિયાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ, પછી તે માટે કોંગ્રેસની ભૂલો પણ કેમ ન પ્રસારિત કરવી પડે. ઘોષણાપત્ર ભાજપના ઘોષણાપત્રની જેવું નથી હોતું. વડાપ્રધાન મોદીના વચનો જેવું નથી હોતું. હું તમારો વકીલ બની કામ કરીશ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુકલાએ કહ્યું કે, નોટબંધી દરમિયાન મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે, નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થા પર ઘણી વિપરીત અસર થઈ છે. વડાપ્રધાન મોદીએ સુબ્રમણ્યમની વાતનો જવાબ આપવો જોઈએ.
તેમણે કહ્યું કે, અરવિંદની વાતથી આ પ્રશ્ન ઉઠે છે કે, શું નોટબંધી મુદ્દે નાણામંત્રાલયને વિશ્વાસમાં લેવામાં ન આવ્યું હતું ? એનો અર્થ એ કે દેશના મુખ્ય આર્થિક સલાહકાર જ તેની તરફેણમાં ન હતા. જે તરફેણમાં ન હતા તો નોટબંધી કેમ થોપવામાં આવી અને કોનો વિચાર હતો. આ પ્રશ્નોના જવાબ વડાપ્રધાન મોદીએ આપવા જોઈએ. કારણ કે નોટબંધીના પ્રભાવને કારણે દેશના નાના કારોબારીઓના વેપાર પાયમાલ થયા છે.
0.5