પાલનપુર, તા.૭
દાંતા તાલુકાના માનપુર ગામે મૃત ગાયના નામે કટ્ટરવાદી તત્ત્વોએ પોતાની મેલી મંશા પાર પાડવા ખોટી કાગારોળ મચાવી મુસ્લિમો સામે શંકાની સોઈ તાણી એક જ પરિવારના ચાર સભ્યો સામે પશુધારા અંતર્ગત ફરિયાદો નોંધાવી, રેલીઓ કાઢી વર્ષોથી હળીમળીને રહેતા હિન્દુ-મુસ્લિમ કોમમાં ફાટફૂટ પાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે ખુદ ફરિયાદીએ કરેલ સોગંદનામા મુજબ તેણે પોતાની ગાય મૃત હાલતમાં જોઈ હતી પરંતુ તેણે કે તેના પુત્રએ કોઈને મારતા જોયા નથી તેવું સોગંદનામું કરતાં ભાગલાવાદી તત્ત્વોની પોલ ખૂલી જવા પામી હતી અને આ ફરિયાદ રદ કરવાની દાદ માંગતા હાઈકોર્ટે તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખી ફરિયાદ રદ કરવાનો હુકમ કરતાં ચાર નિર્દોષ યુવાનોનો ૧૮માં દિવસે પાલનપુર સબજેલમાંથી છૂટકારો થયો હતો. બનાવની વિગત અનુસાર ગત તા.૧૭/૭/ર૦૧૭ના રોજ દાંતા તાલુકાના માનપુર ગામે એક આદિવાસીની ગાય મૃત હાલતમાં પડી હતી. જેને જોઈ કેટલાક કટ્ટરવાદી તત્ત્વોના પેટમાં તેલ રેડાયું અને આ બનાવને હત્યામાં ખપાવવા તથા કોમી વૈમનશ્ય ફેલાવવા આવા તત્ત્વોએ ખોટી બુમરાણ મચાવવા માંડી જેમાં વળી ફૂટી નીકળેલી/કરણી મહાકાલ સેના, ગૌરક્ષકોએ મીડિયાને હાથો બનાવી ખોટી ઉશ્કેરણી કરી જેમાં પીએસઆઈવાળા અને ચંદનસિંહ નામના પોલીસ કર્મીને સાથે રાખી એક આદિવાસી પાસે ખોટી ફરિયાદ કરાવી જેમાં પોલીસે કોઈપણ પ્રકારની તપાસ કે ખરાઈ કર્યા સિવાય તાત્કાલિક માનપુરના મુમન કોમના એક જ પરિવારના ચાર સભ્યો પર આઈપીસી ૪ર૯, જીપીએક્ટ ૧૩પ પશુ સંરક્ષણ અધિનિયમ -૧૯પ૪ સુધારો ર૦૧૭ ૮.૧૦ તથા પશુ ક્રૂરતા અધિનિયમની કલમ ૧૧ (૧) મુજબ ગુનો દાખલ કરી ઘરેથી સહી કરવાના બહાને ઉપાડી જઈ જેલમાં મોકલી તરત જ મીડિયામાં પ્રેસનોટ જોહર કરી પ્રિન્ટ તથા ઈલે.મીડિયાને બોલાવી કોઈ મોટા આતંકવાદી પકડાયા હોય તેમ મીડિયા સમક્ષ ગુલબાંગો પોકારેલી જ્યારે બીજા દિવસે કોમી વૈમનશ્ય ફેલાવવાના બદઈરાદે અન્ય સંગઠનોને સાથે રાખી રેલી કાઢી પ્રાંત કલેક્ટર દાંતાને આવેદન આપેલ. જ્યારે આ બનાવમાં ખોટી ફરિયાદને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ખુદ ફરિયાદીએ સોગંદનામું રજૂ કર્યું હતું કે મારી ગાય મૃત હાલતમાં પડેલી હતી. મેં કે મારા પુત્રએ કોઈને પણ મારતા જોયા નથી. તેવું સોગંદનામું એ.જે.દેસાઈની કોર્ટમાં રજૂ કર્યું હતું અને આ ફરિયાદ ખોટી હોવાની તથા રદ કરવાની દાદ માગતા હાઈકોર્ટે તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખી આ ખોટી ફરિયાદ રદ કરવાનો હુકમ કરતાં છેલ્લા ૧૮ દિવસથી પાલનપુર સબ જેલમાં રહેલ ચાર નિર્દોષ યુવાનોનો છૂટકારો થયો હતો.
ખોટી ફરિયાદ કરનાર સામે કાર્યવાહી કરાશે ખરી ?
મૃત ગાયના નામે નવી ફૂટી નીકળેલ મહાકાલ સેના, કરમી સેના તથા ગૌરક્ષકોએ ખોટો હોબાળો મચાવી કોમી ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો જ્યારે પોલીસે બનાવની પૂરતી તપાસ તથા ખરાઈ કર્યા વિના એક જ પરિવારના ચાર સભ્યો સામે પશુ ક્રૂરતા ધારા અંતર્ગત વિવિધ કલમો લગાવી જેલ હવાલે કરી દીધા જો કે ફરિયાદીએ જાતે જ હાઈકોર્ટમાં સોગંદનામું કરી જણાવ્યું કે, ફરિયાદ ખોટી છે અને રદ કરવાની દાદ માગતા હાઈકોર્ટે ફરિયાદ રદ કરતા હવે ખોટી ફરિયાદ કરનાર તથા કોમી વૈમનશ્ય ફેલાવનાર સંસ્થા સામે કોઈ પગલા ભરાશે ખરા ?