જામનગર, તા.૬
કલ્યાણપુરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ફોજદારે તે પંથકમાં જ રહેતા એક્સ આર્મીમેનની સાંથણીમાં મળેલી જમીન પરથી ફેન્સીંગ તથા બાવળ હટાવવાની કામગીરીમાં ‘સહકાર’ આપવા માટે રૂા.૩ લાખની માગણી કર્યા પછી એસીબીમાં ફરિયાદ થઈ હતી. રાજકોટ એસીબીએ છટકું ગોઠવી રૂા.૩ લાખની લાંચ લેતા આ અધિકારીને પકડી પાડતા લાંચિયા તત્ત્વોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.
એક્સ આર્મીમેનના પુત્રએ લાંચની માગણી કરનાર પીએસઆઈ એસ.એસ. ભદોરિયા સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક એચ.પી. દોશીના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી કચેરીના પીઆઈ સી.જે. સુરેજાએ ફરિયાદીને છટકું ગોઠવવા અંગે પૂરતી સમજણ આપ્યા પછી શહેર તથા રાજકોટ ગ્રામ્યના એસીબીના સ્ટાફને સાથે રાખી જાળ બીછાવી હતી.
તે દરમ્યાન એસીબીના સમજાવ્યા મુજબ ફરિયાદીએ પૈસા આપવા માટેની તૈયારી દર્શાવતા તેઓને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જ બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પીએસઆઈ શૈલેન્દ્રસિંહ ભદોરિયાને એસીબી દ્વારા વૈજ્ઞાનિક પ્રક્રિયા કર્યા પછી આપવામાં આવેલી રૂા.૩ લાખની ચલણી નોટ આપતા જ એસીબીનો કાફલો પ્રગટ થયો હતોર. તેઓએ પીએસઆઈ ભદોરિયાને રંગેહાથ પકડી લઈ તેઓની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. ભદોરિયા વિરૂદ્ધની તપાસ એસીબીના પીઆઈ જાડેજાને સોંપી આપવામાં આવી છે. તેઓએ પીએસઆઈ ભદોરિયાના ઘેર દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી રૂા.ર લાખ ૬૧ હજારની રોકડ રકમ સાંપડી છે.દ્વારકા જિલ્લા પ્રમાણમાં નાનો હોવા છતાં ચાલુ વર્ષમાં કલ્યાણપુરના પીએસઆઈ ભદોરિયા સામે લાંચ લેવાનો ગુનો નોંધાયો તે ગુનો છઠ્ઠો છે, અગાઉ દ્વારકા મામલતદાર સહિતના પાંચ કેસ નોંધાયા હતા.