અમદાવાદ, તા.ર૬
ગાંધીનગર ખાતે નવનિર્મિત મહેસૂલી કચેરીના લોકાર્પણ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહવિભાગ અને મહેસૂલ વિભાગમાં થતો હોવાના કરેલા નિવેદનને કોંગ્રેસે વધાવી મુખ્યમંત્રીનું આ નિવેદન ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપના ર૩ વર્ષના શાસનનું એકરારનામું હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન અંગે ઉગ્ર પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ર૩ વર્ષથી શાસન કરી રહેલ ભાજપના ભ્રષ્ટાચારી મોડલમાં “ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી” ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીક એટલે કે હપ્તારાજ ચાલી રહ્યું છે. રાજ્યના શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગૃહ, મહેસૂલ, કૃષિ ઉદ્યોગ, વાહન વ્યવહાર, જળસંપત્તિ, આદિજાતિ, સમાજ કલ્યાણ, ઉર્જા શહેરી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર-ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેને ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે. ૪૦૦૦ કરોડ રૂપિયાના મગફળી કૌભાંડ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, ઉર્જા વિભાગમાં વીજ ખરીદીમાં ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય, ખાણ-ખનીજ-રેતી-માટી સહિત કિંમતી ખનીજની કરોડો રૂપિયાની ચોરી, શહેરી વિકાસમાં રોજ નવા કૌભાંડો, સંગ્રહખોરો, કાળા બજારિયાઓને ભાજપે ધન સંગ્રહ યોજનાના ભાગીદાર બનાવી દીધા છે. ત્યારે, રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન જ દર્શાવે છે કે ભ્રષ્ટાચારમાં સમગ્ર સરકાર ડૂબી ગઈ છે. બેફામ ભ્રષ્ટાચાર સહિત રોકવામાં નિષ્ફળ મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે અથવા તો ક્યા વગદાર અગાઉના ગૃહમંત્રી, મહેસૂલમંત્રી અને મુખ્યમંત્રીએ ઊભી કરેલ ભ્રષ્ટાચાર વ્યવસ્થા તેમની મજબૂરી છે તે પણ ગુજરાતની જનતાને જણાવે.