(એજન્સી) તા.૩૧
લઘુમતી બાબતોના કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ શનિવારે જણાવ્યું હતું કે સ્કૂલોમાં મુસ્લિમ છોકરીઓના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ આ દર ૭૦ ટકા હતો અને હવે તે ઘટીને ૩૫થી ૪૦ ટકાએ આવી ગયો છે. તેમણે કહ્યું કે સરકારના જાગૃકતા અભિયાન તથા મહિલાઓના સશક્તિકરણના કાર્યક્રમને કારણે જ આ શક્ય બની શક્યું છે. તેમણે કહ્યું હતું કે હવે અમારી સરકાર આ ડ્રોપઆઉટ દરને ઝીરો ટકા સુધી લાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ મિશન પર કામ શરૂ કરી દીધું છે. લઘુમતી સમુદાયને રાજકીય હથકંડો બનતાં અટકાવવા માટે આ જરૂરી પણ છે. તેમણે કહ્યું કે મહિલાઓના સશક્તિકરણ માટે આ જરૂરી પગલું છે. બાંદ્રા(વેસ્ટ)માં જુનિયર કોલેજ અને ડો.એમઆઈજે ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સંચાલિત અંજુમને ઈસ્લામ ખાતે નવી સ્કૂલ ઈમારત, લાઈબ્રેરી, લેબોરેટરી અને અન્ય સુવિધાઓનો શિલાન્યાસ કરતાં તેમણે કહ્યું કે સમાજના તમામ નબળા વર્ગોના વિકાસ માટે તથા સશક્તિકરણ માટે સરકાર પ્રયાસો કરી રહી છે. તેના પરિણામો હવે દેખાવા લાગ્યા છે. મંત્રીએ કહ્યું કે સરકારે ચાલુ વર્ષે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ મોબાઇલ એપ(એનએસપી મોબાઈલ એપ) લોન્ચ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ગરીબ તથા નબળાં વર્ગોના વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃતિ મળી રહે. તેમણે કહ્યું કે હવે શિષ્યવૃતિ સીધી બાળકોના ખાતામાં જ જાય છે અને ડીબીસી મોડનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પારદર્શકતા આવી છે. વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે એનડીએના શાસન દરમિયાન ૩.૧૧ કરોડ જેટલા લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવી અને તેમાં ૬૦ ટકા છોકરીઓનો સમાવેશ થાય છે.