Site icon Gujarat Today

અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રાશિદ ખાનના પિતાનું નિધન

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
પોતાની શાનદાર સ્પિન બોલિંગની મદદથી ઓછા સમયમાં ક્રિકેટની દુનિયામાં છવાઈ જનાર અફગાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાનના પિતાનું નિધન થયું હતું. રાશિદ ખાનના પિતાએ ૩૦ ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેણે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી હતી. રાશિદ આ સમયે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. રાશિદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે.
રાશિદ ખાને ટ્‌વીટર પર જાણકારી આપ્યા બાદ તેના સાથી ખેલાડીઓ, ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને વિશ્વના ઘણાં ક્રિકેટ દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રાશિદ ખાન અત્યાર સુધી ૩ મેચમાં પાંચ વિકેટ ઝડપી ચૂક્યો છે.આ મુશ્કેલ સ્થિતિમાં રાશિદ ખાને આજે રમાનારા મેચમાં રમવાનો નિર્ણય લીધો છે. તેનની ટીમ એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રાશિદે કહ્યું કે, તે પોતાના પિતાના સન્માનમાં આ મેચ રમવા માટે ઈચ્છી રહ્યો છે.રાશિદ ખાને ૩૦ ડિસેમ્બરે પોતાના ટ્‌વીટર પર લખ્યું હતું, મેં મારી જિંદગીમાં સૌથી મહત્ત્વના વ્યક્તિને ગુમાવી દીધા છે તે છે મારા પિતા. મને આજે ખ્યાલ આવ્યો કે, તમે મને હંમેશા મજબૂત રહેવાનું કેમ કહેતા હતા.

Exit mobile version