Site icon Gujarat Today

બિહારના અરરિયામાં પશુચોરીની શંકામાં ૫૫ વર્ષના કાબૂલની માર મારી ઘાતકી હત્યા કરાઇ

(એજન્સી) અરરિયા, તા.૩
બિહારના અરરિયા જિલ્લામાં રાતના સમયમાં એક ૫૫ વર્ષના વૃદ્ધની ગાય ચોરીની શંકામાં ૩૦૦ જેટલા લોકોએ ક્રૂર માર મારી હત્યા નીપજાવી છે. અરરિયાના સિમરબની ગામની પાસેના ગામમાં રહેતા કાબૂલને અડધી રાતે માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ટોળા દ્વારા કાબૂલને માર મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કાબૂલ ટોળાના લોકો સામે જીંદગીની ભીખ માગી રહ્યા છે. પણ ટોળાએ જ્યાં સુધી તેનું મોત થઇ ગયું હતું ત્યાં સુધી તેને માર માર્યો હતો.વીડિયોમાં ટોળામાંના લોકો તેના ચહેરા પર ડંડાથી માર મારી રહ્યા છે અને તેને ચોર કહે છે. ટોળાનું નેતૃત્વ કરી રહેલો યુવક લોકોને તેને મારવા માટે ઉશ્કેરી રહ્યો છે. વીડિયોમાં ઘણા હુમલાખારોના ચહેરા સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યા છે. પણ પોલીસે અત્યારસુધી તેમાંથી એક પણ વ્યક્તિને પકડી નથી. ગામનો પૂર્વ પ્રધાન કાબૂલ લોકોને કહી રહ્યો હતો કે, તેણે પશુ ચોર્યા નથી પણ તેનો અવાજ કોઇ સાંભળવા તૈયાર ન હતા. ટોળાનું નેતૃત્વ કરનારાએ પહેલા પણ કાબૂલ સામે પશુ ચોરીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસને જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે ઘટનાના બે દિવસ પછી જાણ થઇ હતી. અરરિયાના એસડીપીઓ કેપી સિંહે કહ્યું કે, હુમલાખોર પીડિતને ઓળખતા હતા અને આ તમામ એક જ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે અને મુખ્ય આરોપીની શોધખોળ કરાઇ રહી છે. ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ છે અને લોકોમાં આક્રોશ છે. પોલીસે કહ્યું કે, ઘટનાનો વીડિયો પોલીસને મળ્યો છે અને તપાસ ચાલુ છે.

Exit mobile version