(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
રાહુલ ગાંધીએ મમતા બેનરજીને કહ્યું છે કે, કોલકાતામાં શનિવારે યોજાનારી વિપક્ષોની રેલીને તેમનું સમર્થન છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તેઓ ભાજપ માટે મૃત્યુઘંટ વગાડશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસની રેલી યોજાશે જેમાં મે સુધી યોજાનારી લોકસભા ચૂંટણી બાદ અન્ય પક્ષોને સાથે લાવવા અને ભાજપને પડકાર ફેંકવા માટેનુંં કામ મમતા બેનરજી કરી શકે છે તેવું માનવામાં આવે છે. એેક પત્રમાં રાહુલ ગાંધીએ મમતા બેનરજીને કહ્યું હતું કે, લોકતંત્ર, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સંરક્ષિત સ્તંભો જ માત્ર સાચા રાષ્ટ્રવાદ અને વિકાસમાં માનનારા સંયુક્ત વિપક્ષને એક કરી શકે છે, ભાજપ અને મોદીના વિચારો વિનાશક ઇરાદાવાળા છે. તેમણે ઉમેર્યું કે, હું મમતા દીદીને એકતાના દેખાવમાં સમર્થન કરૂં છું અને આશા છે કે, આપણે સંયુક્ત એક ભારતનો આકરો સંદેશ મોકલીએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકબીજાના વિરોધી છે. મમતા બેનરજીએ ગુરૂવારે કહ્યું હતું કે, સંયુક્ત ભારત રેલી ભાજપની અરાજકતા વિરૂદ્ધ હશે. ભાજપ માટે આ મૃત્યુઘંટ સમાન હશે. મમતાએ જણાવ્યું હતું કે, આગામી સામાન્ય ચૂંટણીઓમાં ભગવા દળ ૧૨૫ બેઠકો પણ પાર કરી શકશે નહીં. રાજ્યની પાર્ટીઓ ભાજપ કરતા વધુ બેઠકો જીતશે. સ્થાનિક પાર્ટીઓ જ સંઘીય પાર્ટીઓ હશે એ ચૂંટણી બાદ તેઓ નિર્ણય લેશે.