(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
આજે સવારે સુરત એરપોર્ટ ઉપર ગાઢ ધુમ્મસ છવાતા અત્યંત નબળી વિજીબિલિટીથી ફલાઈટ લેન્ડિંગ થવામાં મુશ્કેલી આવતા ત્રણ ફ્લાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. સવારના સમયે મુસાફરોનો ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોર્ટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતું. સવારના સમયે રનવે પર વિજીબિલીટી અત્યંત નબળી થઇ જતા ફલાઈટનુુ લેન્ડિંગ શક્ય ન હતું. સવારના શિડયુલ્ડમાં એર ઈન્ડિયાની દિલ્હી-સુરત ફલાઈટ સવારે ૭.૦૫ વાગે સુરત લેન્ડ થવાના બદલે ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી જે અમદાવાદથી ૧૧.૩૦ કલાકે સુરત આવી હતી. સ્પાઈ જેટની દિલ્હી- જયપુર- સુરત ફલાઈટ ૭.૪૫ કલાકે સુરત આવવાના બદલે મુંબઈ ડાયવર્ટ કરીને ૧૧.૩૪ કલાકે સુરત લેન્ડ થઈ હતી. ઈન્ડિગોની દિલ્હી-સુરત ફલાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારના સમયે સુરત એરપોર્ટ ઉપર એક સાથે ત્રણ ફલાઈટ લેટ પડતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઘણા મુસાફરોની કનેકટેડ ફલાઈટ કેન્સલ થઈ હતી. જ્યારે બિઝનેસ કલાસના મુસાફરોને મીટિંગ કેન્સલ કરવાની ફરજ પડી હતી.