(એજન્સી) લંડન, તા. ૨૧
ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમને બનાવનારા એક અમેરિકન સાયબર એક્સપર્ટ સૈયદ શૂઝાએ દાવો કર્યો છે કે, તે દેખાડી શકે છે કે, આ મશીનોને કેવી રીતે હેક કરવામાં આવે છે. લંડનમાં સોમવારે એક પ્રેઝન્ટેશન આપવામાંઆવ્યુંં હતું જેમાં અનેક મોટા ધડાકા થયા છે. અમેરિકન સાયબર એક્સપર્ટ શૂઝાએ દાવો કર્યો છે કે, ઇવીએમ મશીનને હેક કરી શકાય છે. હેકાથોનમાં એવો પણ દાવો કરાયો છે કે, ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા એ માટે થઇ હતી કારણ કે, તેઓ ઇવીએમ મશીન કેવી રીતે હેક કરી શકાય તેની માહિતી તેમની પાસે હતી. ભારતમાં ઉપયોગ થતા ઇવીએમને ડિઝાઇન કરનારા એક્સપર્ટે એવો પણ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ ઇવીએમ સાથે ચેડાં કરાયા હતા. આ હેકાથોનમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ સામેલ હતા. લંડન હેકાથોનમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે, ઇવીએમ કેવી રીતે હેક કરી શકાય છે. ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન(યૂરોપ) તરફથી લંડનમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ હંમેશા આ વાતનો દાવો કરે છે કે, ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ સાથે ચેડાં કરી શકાતા નથી. એક્સપર્ટે દાવામાં કહ્યું કે, મશીનને બ્લૂટૂથથી હેક કરી શકાતું નથી. ગ્રેફાઇટ આધારિત ટ્રાન્સમીટરથી જ ઇવીએમ ખોલી શકાય છે. આ ટ્રાન્સમીટરોનો ઉપયોગ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું. એક્સપર્ટે એવો પણ દાવો કર્યો કે, કોઇ વ્યક્તિ ઇવીએમના ડેટાને પરિવર્તિત કરવા માટે સતત પિંગ કરી રહી હતી. ૨૦૧૪માં ભાજપના ઘણા નેતાઓને આ અંગે જાણકારી હતી. જ્યારે એક અન્ય ભાજપના નેતા સુધી આ વાત પહોંચાડી તો તેમની સાથે કામ કરનાર વ્યક્તિની હત્યા કરાવી દીધી હતી. એક્સપર્ટે દાવો કર્યો કે, ઇવીએમ હેક કરવામાં રિલાયન્સ કમ્યુનિકેશન ભાજપની મદદ કરે છે. સૈયદ શૂઝાએ કહ્યું કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ઇવીએમ સાથે ભારે ગરબડ થઇ હતી જેમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારે ચેડાં કરાયા હતા. ઇવીએમને લો ફ્રિકવન્સી સિસ્ટમથી ખોરંભે પાડવામાં આવી શકે છે.
એક્સપર્ટે દાવો કર્યો છે કે, તેમણે દિલ્હીની ચૂંટણીમાં ટ્રાન્સમિશનને રોકાવી દીધું હતુ જેથી ભાજપ ચૂંટણી હારી ગયું હતું. દિલ્હીની ચૂંટણીમાં ભાજપના આઇટી સેલ દ્વારા કરવામાં આવેલું ટ્રાન્સમિશન પકડાઇ ગયું હતું. શૂઝાએ દાવો કર્યો કે, અમે ટ્રાન્સમિશનને આમ આદમી પાર્ટના પક્ષમાં કરી દીધું હતું. જ્યારે તેના સાચા પરિણામ ૨૦૦૯ની ચૂંટણી જેવા જ હતા. તેણે કહ્યું કે, ભાજપે ઓછી ફ્રિકવન્સી વાળા ટ્રાન્સમિશનને પણ ઇન્ટરસેપ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. ભાજપને જ્યારે ઇવીએમ અંગે પડકાર ફેંકવામાં આવ્યો ત્યારે તેમણે એવા મશીનોનો ઉપયોગ કર્યો જેને અમે હેક કરી શકતા ન હતા. શૂઝાએ દાવો કર્યો છે કે, તેમની ટીમ ભાજપના નેતાઓને મળવા માટે હૈદરાબાદ પહોંચી હતી ત્યારે તેમના પર ગોળીબાર કરાયો હતો પરંતુ અમારી ટીમ ત્યાંથી બચી જવામાં સફળ રહી હતી અને બાદમાં અમે ભારત છોડીને ભાગી ગયા હતા. શૂઝાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસે ઇવીએમ હેકિંગને કારણે ૨૦૧ બેઠકો ગુમાવી હતી. તેણે કહ્યું કે, પત્રકાર ગૌરી લંકેશ આ સ્ટોરી ચલાવવા માટે તૈયાર થઇ ગઇ હતી જે બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સૈયદ શૂઝાએ દાવો કર્યો છે કે, ભાજપ ચૂંટણીઓમાં ઇવીએમ સાથે ચેડાં કરવામાં લાગેલું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં જોરદાર રીતે ગરબડ થઇ હતી. ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનો સૈયદ શૂઝાએ જ તૈયાર કર્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઇવીએમ સાથે ચેડાં શક્ય છે. આ હેકાથોનમાં ભારતના ચૂંટણી પંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી પંચને કોઇ અધિકારી ત્યાં પહોંચ્યા ન હતા.
રાજસ્થાન, મ.પ્ર. અને છત્તીસગઢમાં
પણ હેકિંગના પ્રયાસ થયા
ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનની ડિઝાઇન તૈયાર કરનારા અમેરિકન સાયબર એક્સપર્ટ સૈયદ શૂઝાએ કહ્યું છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી જેથી મોટાભાગે ઇવીએમ હેક થઇ શક્યા ન હતા. જો ઇવીએમ હેક કરવાની તક મળી હોત તો અહીં પણ ભાજપની જ સરકાર બનવાની તૈયારી હતી.
વિપક્ષ EVM હેકિંગનો મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવશે : મમતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે જણાવ્યું હતું કે, અમેરિકન સાયબર એક્સપર્ટ દ્વારા ઇવીએમ મશીનને હેક કરવાના દાવા અંગે સમગ્ર વિપક્ષ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. તેમણે ટિ્વટમાં લખ્યું કે, દરેક મત કિંમતી છે અને આ મુદ્દાને ઉઠાવવો જોઇએ. તેમણે ટિ્વટમાં લખ્યું કે, આપણી મહાન લોકશાહીનું સંરક્ષણ થવું જોઇએ. તમારો દરેક મત કિંમતી છે. યુનાઇટેડ ઇન્ડિયા રેલી બાદ તમામ વિપક્ષી દળોએ ઇવીએમ મશીન અંગે ચર્ચા કરી હતી. અમે આ અંગે મળીને ઝીણવટથી કામ કરી રહ્યા છીએ અને ૧૯મી જાન્યુઆરીની બેઠકમાં ચૂંટણી પંચ સમક્ષ મુદ્દો ઉઠાવવા નક્કી કર્યું હતું. દરેક મતની કિંમત છે.