શ્રીનગર,તા. ૯
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા છે. ઘટનાસ્થળેથી તેમના મૃતદેહ મળી આવ્યા છે. ગુલાબબાગ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરાયા બાદ આ અથડામણ થઇ હતી. ઠાર થયેલા ત્રાસવાદીઓની ઓળખ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, સાતમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાંના સમ્બુરામાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણમાં લશ્કરે તોયબાનો વધુ એક ત્રાસવાદી ઠાર થયો હતો. તેની પાસેથી પણ મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. ઠાર થયેલો ત્રાસવાદી અમરનાથ યાત્રીઓ ઉપર કરવામાં આવેલા હુમલામાં સામેલ હતો. છેલ્લા સપ્તાહમાં ૯ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. શનિવારના દિવસે સોપોરેમાં ભીષણ અથડામઁણમાં લશ્કરના ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરાના જુદા જુદા વિસ્તારમાં ત્રાસવાદીઓનો ખાતમો બોલાવી દેવા માટે સેના અને સુરક્ષા દળો આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સુરક્ષા દળો વચ્ચે શાનદાર તાલમેલના કારણે સરકાર ત્રાસવાદીઓની સામે હવે જોરદાર જંગ ખેલવા અને તેમને ખતમ કરવાને લઇને આશાવાદી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણમાં હાલમાં જ ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી અને લીડર તરીકેની ભૂમિકામાં રહેલો અબુ દુજાના ઠાર થયો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં દુજાના સાથે તોયબાનો અન્ય કુખ્યાત ત્રાસવાદી આરિફ લિલહારી તેમજ અન્ય બે ત્રાસવાદીઓ ફુંકાયા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે જુલાઈ સુધી ૧૧૭ ત્રાસવાદીઓને ઠાર કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીની અવધિમાં સૌથી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદ તેમજ હિઝબુલની સાથે જોડાયેલા કેટલાક ત્રાસવાદીઓની યાદી તૈયાર કરી લીધી છે. જૂન મહિનામાં સેનાએ જમ્મુ કાશ્મીરમાં ૧૨ ત્રાસવાદીઓની હિટલિસ્ટ જારી કરી હતી. સુરક્ષા દળોએ આ ત્રાસવાદીઓની સામે જોરદાર ઓપરેશન હાથધર્યું છે જેના ભાગરુપે અબુ દુજાના સહિતના અન્ય ત્રાસવાદીઓ ફૂંકાયા હતા. આ ત્રાસવાદીઓમા નામ અને ફોટા જારી કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી ૧૨૫ ત્રાસવાદીઓના મોત થઇ ચુક્યા છે. અબુ દુજાના અને આરીફ લીલહારી ઠાર થયેલા ૧૧૫ અને ૧૧૬માં ત્રાસવાદી તરીકે હતા. ઓગષ્ટમાં પણ કાર્યવાહી જારી રહી છે. ૨૦૧૬માં આ ગાળા સુધી ૯૨ ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. જુલાઈ ૨૦૧૭માં ૨૨ ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. ૨૦૧૨-૧૩માં ક્રમશઃ જમ્મુ કાશ્મીરમાં ૭૨ અને ૬૭ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ૨૦૧૪માં ૧૧૦, ૨૦૧૫માં ૧૦૮ અને ૨૦૧૬માં ૧૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓનો આંકડો પહેલાથી વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫ના આંકડાને પાર કરી ગયો છે.