(એજન્સી) તા.૧૪
દેશમાં નિર્દોષ મુસ્લિમોને રહેંસી નાખવાના સતત ચાલી રહેલા અનિષ્ટ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ મહત્વના પરિબળો સાથે આ મુદ્દે લંબાણપૂર્વક વાતચીત કરી હતી. માનવ અધિકાર કર્મશીલ હર્ષ મંદરના નવા પુસ્તક ‘પાર્ટીશન્સ ઓફ ધી હાર્ટ અનમેકિંગ ધી આઇડિયા ઓફ ઇન્ડિયા’ના વિમોચન ખાતે બોલતા પૂર્વ રાષ્ટ્રપતિએ પુસ્તકમાંથી જ ટાંકીને જણાવ્યું હતું કે એક લિંચિગની ઘટનાને કારણે ભારતનું અસ્તિત્વ મટી રહ્યું છે અને ભારત બરબાદ થઇ રહ્યું છે. આપણી બહુલવાદી સેક્યુલર લોકશાહી મોટાપાયે કોમવાદી હિંસાના હુમલાઓ સામે ટકી રહી છે પરંતુ મને ડર છે કે નફરત અને કટ્ટરવાદના વર્તમાન સામાન્યકરણ સામે ટકી રહેશે નહીં. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણે એવા લોકો છીએ કે જેઓ ધાર્મિક હોવાનો ગર્વ લઈએ છીએ. આપણે આપણી વિવિધતાનું મહિમામંડન કરીએ છીએ અને તેમ છતાં કેટલાક પ્રશ્નો આપણને સતાવી રહ્યા છે. શું આપણે માનવ અસ્તિત્વની પ્રબુદ્ધ સ્થિતિ તરીકે ધર્મ અને અતિશયોક્તિપૂર્ણ અસહિષ્ણુ ધાર્મિક વ્યવસ્થા તરીકે ધાર્મિકતા વચ્ચેનો મતભેદ સમજીએ છીએ ખરા. પ્રથમ બાબત પ્રેમ અને અનુકંપાને લગતી છે જ્યારે બીજી બાબત કેટલીક માન્યતાઓ માટેનો અતિશય ઉત્સાહ દર્શાવે છે કે જેનો સામાજિક અને સરકારી દબાણ દ્વારા અમલ કરવાની ફરજ પાડીએ છીએ. બીજું શું આપણે ધાર્મિક અને શેતાની વચ્ચેનો ભેદ પારખીએ છીએ ? રાજનીતિ અને સત્તા માટે ધર્મના દુરુપયોગ અંગે અંસારીએ જણાવ્યું હતું કે શું આપણે અલગ માન્યતા કે આચરણ ધરાવતા સાથી માનવીઓ પ્રત્યે અસહિષ્ણુતા દાખવીએ છીએ ? ચોથું ધાર્મિકતાનો સામાજિક અને રાજકીય આધિપત્યના મકસદ માટે ઉપયોગ કરવામાં આવે છે ? પાંચમું શું આપણે ભ્રાતૃત્વ અને તેના આચરણમાં વિશ્વાસ રાખીએ છીએ ? છઠ્ઠું લોકો તરીકે આપણે સામાજિક સંવાદિતાને પ્રોત્સાહિત કરીએ છીએ ? અનેે સાતમું આપણા રાષ્ટ્રીય હેતુ માટે સામાજિક વિખવાદની અસર સમજીએ છીએ ? અત્યંત વિચારપ્રેરક પુસ્તક લખવા બદલ લેખકની પ્રશંસા કરતા અંસારીએ જણાવ્યું હતું કે મારા મતે આ વ્યગ્ર કરી મૂકે એવું પુસ્તક છે. નફરતસભર વાતાવરણ સામે લડવાનો અનુરોધ કરતા અંસારીએ લેખકને ફરી ટાંકીને જણાવ્યું હતું કે અંધકાર સામે અંધકારથી લડી શકાય નહીં અને તેથી નફરતની રાજનીતિ સામે પ્રેમ અને કર્મઠતાથી જ લડી શકાય.