વાગરા, તા.૧૪
ભરૂચના દયાદરા ગામની ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલની ભરૂચના નાયબ કલેકટર યાસ્મિન શેખે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ કારકિર્દી ના ઘડતર માટેનું પ્રેણણાદાયક પ્રવચન આપ્યું હતું.
આ તબક્કે સ્કૂલના આચાર્ય સાદીકભાઈ પટેલ સહિતના શિક્ષકોએ તેમને આવકાર્યા હતા. શાળાના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે એ માટે તેમનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. તેમણે છાત્રોને સંબોધતા કહ્યું હતું કે, જીવનમાં કંઈક પ્રાપ્ત કરવુ હોય તો તનતોડ મેહનત કરવી પડે. તમે સૌ ધારો એવી સફળતા મેળવી શકો એમ છે. તેના માટે તમારે દિવસ દરમિયાન સમયનો ખોટો વ્યય ન કરતા સમયને શિક્ષણ પાછળ ખર્ચી નાખો. પોતાનું જીવન બનાવવા સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું જરૂરી છે. નકારાત્મક વિચારસરણીનો ત્યાગ કરી સકારાત્મક રીતે આગળ વધશો તો દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી. તમારી સોચ ઉચ્ચ રાખો. જેવુ વિચારશો તેવુ પામશો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રોજેરોજ અખબારનું વાંચન કરી તમારી આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ થાય. આજે મોબાઈલ વિદ્યાર્થીઓ માટે અલાઉદ્દીનનો ચિરાગ છે. એનો સદઉપયોગ કરી ખૂબ જ પ્રગતિ કરી શકાય છે. જીવનમાં તક વારંવાર નથી આવતી, તકને ઓળખી તાત્કાલિક ઝડપી લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે પોતે એક નાયબ કલેકટરની પોસ્ટ સુધી પહોંચવા માટે કરેલ સંઘર્ષની ગાથાનું વર્ણન કરી જીવનમાં ક્યારેય પીછેહઠ ન કરી મુશ્કેલીઓનો સામનો કરવા જણાવ્યું હતું. તમારી પોતાની આગવી ઓળખ ઊભી કરો જેથી સૌ તમને ઓળખે. પરંતુ એ માટે તમારે આકરી મેહનત કરવી પડશે. મહિલા સશક્તિકરણ પર બોલતા તેમણે કહ્યું કે, એક શિક્ષિત દીકરી બે ઘરમાં ઉજાશ પાથરશે અને તેને જોઈ બીજા કુટુંબો પણ પોતાની દીકરીઓને શિક્ષણ રૂપી ભાથાથી સજ્જ કરવા આગળ વધશે. આ સાથે સૌ છાત્રોને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શુભેચ્છા પાઠવી હતી. અંતે સ્કૂલ સંચાલકોને કેરિયર ગાઈડ સેન્ટર શરૂ કરી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરૂં પાડવા આહ્વાન કર્યું હતું.